News of Thursday, 19th March 2026
માહિતી આયોગને સૌથી વધુ ફરિયાદ પંચાયત, મહેસૂલ, ગૃહ અને શિક્ષણ વિભાગ સામે
માહિતી અધિકારની અરજી હેઠળ માહિતી નકારવામાં સામાન્ય વહીવટ નંબર વન

અમદાવાદ તા.૧૯: ગુજરાત રાજ્ય માહિતી આયોગને મળતી અરજીઓમાં સતત વધારો થઇ રહ્યો છે અને વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન તમામ વિભાગો અને જાહેર સત્તામંડળોને કુલ ૧,૭૦,૮૬૦ અરજી મળી હતી. જે ગત વર્ષ કરતા ૨૯.૫૬ ટકા વધુ છે. જોકે, સરકારના પાંચ વિભાગો પંચાયત, શહેરી વિકાસ, મહેસૂલ, ગૃહ અને શિક્ષણ વિભાગ સામે સૌથી વધુ ફરિયાદો અને અપીલ થઇ છે, જે કુલ સંખ્યાના ૭૨.૪૧ ટકા છે. તો માહિતી અધિકારની અરજી હેઠળ માહિતી નકારવામાં સામાન્ય વહીવટ વિભાગ પ્રથમ સ્થાને છે.
ગુજરાત રાજ્ય માહિતી આયોગનો વાર્ષિક અહેવાલ વિધાનસભા ગૃહમાં રજૂ કરાયો હતો. જેમાં ૨૦૨૪-૨૫ના વર્ષ દરમિયાન ૫૦૯૩ અપીલ અને ૯૮૭ ફરિયાદો નાણાંકીય વર્ષમાં મળી હતી. નાગરિકોને માહિતી ન મળે કે ખોટી અથવા અધૂરી તેમજ ગેરમાર્ગે દોરનારી મળે ત્યારે તેઓ આયોગમાં અપીલ કરતા હોય છે, જોકે, કેટલાક સરકારી વિભાગો માહિતી અધિકાર-RTI અરજીને ધોળીને પી જતા હોય છે. તેમાં પંચાયત, શહેરી વિકાસ, મહેસૂલ, ગૃહ અને શિક્ષણ વિભાગમાં પંચાયત સામે સૌથી વધુ ૧૪૦૫ અરજી મળી છે. અન્ય વિભાગો સામેની મળીને ૫૦૯૩ અપીલ અને ૯૮૭ ફરિયાદો થવા જાય છે. ગત વર્ષ દરમિયાન આયોગને ૧,૩૧,૮૭૫ અરજી મળી હતી.
અરજદારોએ RTI કરીને માહિતી માગી હોય તેને નકારવામાં સામાન્ય વહીવટ વિભાગ કુલ અરજીના ૧૬.૦૨ ટકા સાથે મોખરે છે. તે પછી નાણાં વિભાગ-૧૪.૦૧ ટકા અને કાયદા વિભાગ-૧૨.૦૯ ટકા અરજી નકારી કાઢતા હોય છે. આયોગ દ્વારા આ સમયગાળામાં કુલ ૨૧ કિસ્સામાં દંડ કરાયો છે. અનેક કિસ્સામાં જાહેર માહિતી અધિકારીને ઠપકા સાથે નાણા વસૂલાતનો દંડ ફટકારાયો છે. દંડની કુલ રકમ રૂ. ૧,૪૧,૭૫૦ થવા જાય છે.
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
