News of Thursday, 19th March 2026
નરેન્દ્રભાઇના રાજમાં પ્રજાલક્ષી પરિવર્તન, ૬ વર્ષ રાજયસભામાં રહેવાનું મારુ સોૈભાગ્યઃ નરહરિ અમીન
સંસદમાં ભાવભીનું પ્રવચનઃ સ્વ.વિજયભાઇ રૂપાણી સહિતના મહાનુભાવોને યાદ કર્યા

રાજકોટ તા.૧૯: ગુજરાતના રાજયસભાના ભાજપના સભ્ય શ્રી નરહરિ અમીનની મુદત આવતી ૨૦ જુને પુરી થઇ રહી છે. તેમના કાર્યકાળના રાજયસભાના અંતિમ સત્રમાં તેમણે સહયોગી સોૈ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી નરેન્દ્રભાઇ મોદીની સરકારની કામગીરીના વખાણ કર્યા હતા.
શ્રી નરહરિ અમીને રાજયસભામાં જણાવેલ કે કોરોનાકાળ વખતે તા.૨૧ જુન ૨૦૨૦ના દિવસે આ સભાગૃહમાં આવવાનો મને મોકો મળેલ. ૬ વર્ષ રાજયસભાના સભ્ય તરીકે રહેવાનું અનેક મહત્વની ઘટનાઓના સાક્ષી બનવાનું સોૈભાગ્ય મને મળ્યુ છે. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ, તત્કાલીન રાષ્ટ્રીય ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડા, ગુજરાતના તે વખતના મુખ્યમંત્રી સ્વ.શ્રી વિજયભાઇ રૂપાણી, પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણિયા, ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા વગેરેના સહયોગથી હું રાજયસભાનો સભ્ય બની શકેલ. તો સોૈનો આભારી છુ. તે વખતે રાજયસભાની ૪ બેઠકો માટ. ભાજપના ૩ અને કોંગ્રેસના ર ઉમેદવારો હતા. મને જીતાડવા માટે કોંગ્રેસના ૮ ધારાસભ્યોને ધારાસભામાંથી અને પક્ષમાંથી રાજીનામા આપેલ તેમનો પણ આભાર માનુ છુ. તે ૮ બેઠકો ખાલી થવાથી પેટાચુંટણીમાં તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારોનો ઐતિહાસિક વિજય થયો હતો.
શ્રી નરહરિ અમીને કહયુ કે રાજયસભાના સભ્ય તરીકે રેલ્વે, કેમીકલ્સ અને ફર્ટીલાઇઝર્સ, નાણા વગેરે વિભાગોની સમિતિમાં રહેવાનો મોકો મળ્યો છે. વકફ બીલ, રોજગાર ગેરંટી યોજના, ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની સ્થાપના, વંદે માતરમ ગાનની૧૫૦મી જયંતીની ઉજવણી વગેરે પ્રસંગોનો સાક્ષી બન્યો છું. અત્યંત મહત્વના નિર્ણયોમાં ગૃહના સભ્ય તરીકે ભાગ લેવાની તક મળેલ. નરેન્દ્રભાઇ મોદીના શાસનમાં રેલ્વે સહિતના બધા ક્ષેત્રોમાં પ્રજાલક્ષી ક્રાંતિકારી સુધારા થયા છે.
શ્રી નરહરિ અમીને પોતાના પ્રવચનમાં પોતાની વિદ્યાર્થી અવસ્થાથી અત્યાર સુધીની રાજકીય કારકિર્દીની ઝલક આપી હતી.
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
