<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

ગુજરાતમાં માવઠાનો માર: ૨૪ કલાકમાં ૧૨૧ તાલુકાઓમાં કમોસમી વરસાદ: સૌરાષ્ટ્રમાં મેઘરાજાની બેકાબુ બેટિંગ: બગસરા, ચોટીલા, રાજકોટ અને ભેંસાણમાં દોઢ ઇંચ જેટલું પાણી પડ્યું: સવારથી સર્વત્ર ઉઘાડ નીકળ્યો

ગુજરાત રાજ્યમાં હવામાનમાં અચાનક પલટાના કારણે ૧૨૧ જેટલા તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો છે. ૮  તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ થતાં ખેડૂતોના તૈયાર પાકને નુકસાન જવાની ભીતિથી ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

 

ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. છેલ્લા ૨૪ કલાકના સત્તાવાર આંકડાઓ મુજબ રાજ્યના ૧૨૧ તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં કમોસમી મેઘમહેર વધુ આક્રમક જોવા મળી છે. અમરેલી જિલ્લાના બગસરામાં સૌથી વધુ ૧.૬૧ ઇંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના ચોટીલામાં ૧.૫૪ ઇંચ, જ્યારે રાજકોટ અને જૂનાગઢના ભેંસાણમાં ૧.૩૮  ઇંચ જેટલો કમોસમી વરસાદ નોંધાયો છે. 

 

રાજ્યના અન્ય ૮  તાલુકાઓમાં એક ઇંચથી વધુ જ્યારે અન્ય અનેક તાલુકાઓમાં અડધા ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. 

 

આ અણધાર્યા કમોસમી માવઠાના કારણે ખેડૂતોના ઘઉં, જીરું અને કેરીના પાકને વ્યાપક નુકસાન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને લઈને ખેડૂત આલમમાં નિરાશા વ્યાપી ગઈ છે. 

 

જોકે સવારથી સૌરાષ્ટ્ર કચ્છમાં સુરજદાદાના દર્શન સાથે ઉઘાડ નીકળ્યો છે.

(9:35 AM IST)