<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

જીતવાની ક્ષમતા ટીકીટ માટે મોટી લાયકાત : માપદંડના દરવાજા, છુટછાટની બારી ખૂલે પરબારી

ચૂંટણીએ વગાડયો ઢોલ એવો ધમધમાવીને, રાજકીય મહત્‍વાકાંક્ષા નાચવા લાગી ઝાંઝર ઝણઝણાવીને... : રાજકીય પક્ષોએ ઉમેદવાર પસંદગીના ધારા ધોરણો બનાવ્‍યા પણ પૂરતો અમલ અશકયઃ ‘સારા-સારા'ની સાથે ‘મારા-તારા' ગોઠવાઇ જશે

રાજકોટ, તા., ર૦: ગુજરાતમાં વ્‍યાપક રાજકીય અસર પાડનારી સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓની ચુંટણી એકદમ નજીકના ભવિષ્‍યમાં જાહેર થનાર છે. ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી તેમજ અન્‍ય પક્ષો દ્વારા ચુંટણી લડવાની જોરશોર તૈયારી થઇ રહી છે. પક્ષનું નિશાન અને ઉમેદવારની તાકાત નિર્ણાયક બને છે. તેથી રાજકીય પક્ષો ઉમેદવાર પસંદગી ગાળી-ચાળીને કરે છે. સામાન્‍ય રીતે રાજકીય પક્ષો ઉમેદવાર પસંદગીના શ્રેષ્‍ઠ માપદંડ જાહેર કરે છે. પણ તેને વળગી રહીને જ ટીકીટ આપવાનું મુશ્‍કેલ હોય છે. ચુંટણી જીતવા માટે આગળ માપદંડના મોટા દરવાજા દર્શાવી પાછળ છુટછાટની બારી રાખવી પડે છે. હવેના રાજકારણમાં ચુંટણી જીતવાની ક્ષમતા જ ટીકીટ મેળવવાની મુખ્‍ય લાયકાત ગણાય છે.

ઉમેદવાર પસંદગી પુર્વ સ્‍વચ્‍છ પ્રતિભા, નિષ્‍ઠાવાન અને પ્રતિષ્‍ઠાવાન, પાર્ટીને વફાદાર, લોકોમાં પ્રિય, ઇમાનદાર, સાદગીસભર, સિધ્‍ધાંતવાદી, કાર્ય કુશળ, શિક્ષિત વગેરે માપદંડ જાહેર કરવામાં આવે છે. સેન્‍સ લેવાના નાટક પુર્ણ થયા પછી ઉમેદવાર પસંદગીમાં બાંધછોડ શરૂ થાય છે. વર્તમાન રાજકારણમાં જુથવાદ મહત્‍વનું પરીબળ બની ગયું હોવાથી સારા-સારાની સાથે મારા-તારા પણ ગોઠવાઇ જાય છે. સૌથી વધુ સેન્‍સવાળા એક બાજુ ધકેલાઇ જાય અને કોઇએ સેન્‍સ ન આપી હોય તેવા ઉમેદવાર બની જાય તેવું અનેકવાર બને છે. ચુંટણી લડવા માટે આર્થીક મજબુતાઇ હવે આવશ્‍યક બની ગઇ છે.

રાજકારણમાં અપરાધીકરણનો વિરોધ કરનારા પક્ષો ખરડાયેલા કેટલાય ચહેરાઓને સરાજાહેર ટીકીટ આપી છે. બાવળાના બળવાળાને ટીકીટ ન આપવી હોય તો ગુંડો ગણાવી  દેવાની અને આપવી હોય તો ‘શકિતશાળી' માની લેવાની પધ્‍ધતી વર્તમાન રાજકારણમાં વિકસી રહી છે. પક્ષના જુનાને લાગી જાય છે ચુના અને આયાતીઓ આધિપત્‍ય જમાવી દયે છે.

ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ર૦રરની ચુંટણીમાં ૭પ વર્ષની વય મર્યાદા નક્કી કરેલ તેનો અમલ કરેલ પણ વડોદરા અને અમદાવાદમાં બાંધછોડ કરી બે ટીકીટ આપી હતી. ભાજપે ર૦ર૧ ના વર્ષની સ્‍થાનિક ચુંટણીઓમાં ૬૦ વર્ષની વય મર્યાદા અને ૩ વખત ચુંટણી લડેલાને ફરી ટીકીટ નહી આપવાનો માપદંડ જાહેર કર્યો હતો. ઉંમર સિવાઇની બાબતમાં થતી બાંધછોડ વધુ ચર્ચાસ્‍પદ બને છે.

કોંગ્રેસે આ વખતે કુલ ટીકીટો પૈકી પ૦ ટકા ટીકીટ યુવાનોને આપવાનું જાહેર કર્યુ છે. જો કે ભાજપ જેવો ટીકીટ માટેનો ઘસારો કોંગ્રેસમાં નથી. આમ આદમી પાર્ટીએ તો મોટાભાગે નવુ જ ખેડાણ કરવાનું છે. ઉમેદવાર પસંદગીના બધા પક્ષોના આકર્ષક માપદંડના દાવા વચ્‍ચે સ્‍થાનિક સમીકરણો અને અમુકને સાચવી લેવાની વૃતિના કારણે માપદંડમાં છુટછાટ મુકવી પડતી હોય છે. રાજકારણમાં ઘણા સચવાતા હોય છે અને ઘણા કચવાતા હોય છે.

રાજયમાં નગરો, મહાનગરો અને તાલુકા-જિલ્લા પંચાયતોની ચુંટણી નજીક છે. કુલ ૧૦ હજાર જેટલા ઉમેદવારોને પાર્ટીઓએ ટીકીટ આપવાની થશે. ત્રિપાંખીયો જંગ નિヘતિ માનવામાં આવે છે. કયા પક્ષવાળા કેવા ઉમેદવારો પસંદ કરે છે તે ઉમેદવારીના છેલ્લા દિવસ સુધીમાં સ્‍પષ્‍ટ થઇ જશે. માત્ર ટીકીટ મેળવવી એટલુ પુરતુ નથી, સતા માટે જીતવું પણ જરૂરી હોય છે. ટીકીટ માંગવાનો અને ટીકીટ મળશે તેવુ ધારવાનો કાર્યકરોનો અધિકાર છે. આપણું ધાર્યુ થાય તો હરીકૃપા અને આપણુ ધાર્યુ ન થાય તો હરી ઇચ્‍છા... 

એક નજર ઇધર ભી

રસપ્રદ રમુજી વાર્તા છે એક મુરતિયાએ ઉંચી અપેક્ષાએ લગ્ન કરવા માટે કન્‍યા જોવાનું શરૂ કર્યુ. શરૂઆતમાં પી.એચડી. પદવીવાળી કન્‍યાનો આગ્રહ રાખ્‍યો. તેવી કન્‍યા ન મળી એટલે અનુસ્‍નાતક માટે અને થોડા મહિનાઓ પછી સ્‍નાતક કન્‍યા માટે હા પાડી. કોઇ સ્‍નાતક કન્‍યા પણ તૈયાર ન થઇ એટલે પસંદગીના માપદંડમાં ક્રમશઃ ઘટાડો કરી ધો.૧ર પાસ, ધો.૧૦ પાસ અને પ્રાથમિક શિક્ષણ સુધીની કન્‍યાને સ્‍વીકારવા તૈયાર થઇ ગયો. તેમાં પણ મેળ ન પડતા વર્ષો પછી અતેં કહયું ‘કોઇ હા પાડે તો અક્ષરજ્ઞાન અમે આપશું'.

ચુંટણીમાં ઉમેદવાર પસંદગીના માપદંડ કયાંથી શરૂ થઇ કયાં પહોંચતા હોય છે તે બાબત જાણીતી છે.

(11:35 AM IST)