News of Friday, 20th March 2026
ભૂપેન્દ્રભાઈ પટેલે જામનગરને આપી રૂ. ૪૧૨.૧૬ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ
આવનારો દાયકો ગુજરાતના કાંઠાના શહેરોને ઉદ્યોગો અને પ્રવાસનથી ધબકતાં કરીને ગુજરાતના પ્રથમ શહેરોમાં ફેરવવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશેઃ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાઃ રાજ્ય સરકાર ટીયર ટુ અને ટીયર થ્રી સિટીમાં પણ મેટ્રોસિટી જેવી સુવિધાઓ આપવા માટે સતત કાર્યરત છે-મંત્રી રિવાબા જાડેજા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગરઃ માર્ચ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ચૈત્રી નવરાત્રી, ચેટીચાંદ અને નૂતન વર્ષ પ્રતિપદાના પવિત્ર અવસરે જામનગર જિલ્લાને રૂ. ૪૧૨.૧૬ કરોડના ખર્ચે ૫૭ જેટલા વિકાસકાર્યોની ભેટ ધરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકાસ ભી વિરાસત ભી'ના મંત્રને આજે જામનગરમાં રાજ્ય સરકાર દ્વારા સાકાર કરવામાં આવ્યો છે. છેલ્લા પાંચ જ દિવસમાં ભરૂચ, પંચમહાલ અને દાહોદ બાદ આજે જામનગર સહિત કુલ રૂ. ૨,૯૨૩ કરોડના વિકાસકામો લોકાર્પિત કરીને રાજ્ય સરકારે ગરીબ કલ્યાણ અને જનસુખાકારીનો નવો અધ્યાય શરૂ કર્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, એક સમયે સૌરાષ્ટ્રમાં પાણી અને વીજળીની ભારે અછત હતી, પરંતુ વડાપ્રધાનશ્રીના દૂરંદેશી નેતૃત્વમાં ‘સૌની યોજના' અને ‘જ્યોતિગ્રામ યોજના' દ્વારા અંધારા ઉલેચીને ખેતરો સુધી નર્મદાના નીર પહોંચાડવામાં આવ્યા છે.
શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર ટીયર ટુ અને ટીયર થ્રી સિટીમાં પણ મેટ્રોસિટી જેવી સુવિધાઓ આપવા માટે સતત કાર્યરત છે. વિકાસ મેટ્રો સિટી પૂરતો સીમિત ન રહીને ગુજરાતના ખૂણે ખૂણે પહોંચ્યો છે, તેનું આ આપણું શહેર સાક્ષી છે. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ઓક્સિજન પાર્ક એ જામનગરને સ્માર્ટ અને સસ્ટેનેબલ સીટી બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ કદમ સાબિત થશે.
કાર્યક્રમમાં મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની ઉજવણી અન્વયે કોફી ટેબલ બુકનું અનાવરણ કરવામાં આવ્યું હતું.જ્યારે ઉપસ્થિત સૌ મહાનુભાવોને નિવાસી અધિક કલેક્ટર શ્રી શારદા કાથડે શાબ્દિક સ્વાગત વડે આવકાર્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી મેઘજીભાઈ ચાવડા તથા દિવ્યેશભાઈ અકબરી, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પૂર્વ મંત્રીશ્રી આર.સી. ફળદુ, પૂર્વ મેયર વિનોદભાઇ ખીમસુર્યા, પુર્વ ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, અગ્રણી બીનાબેન કોઠારી, વિનોદભાઈ ભંડેરી, નિલેશભાઇ કગથરા, આશિષ જોશી, કેતન નાખવા સહિત બહોળી સંખ્યામા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
