<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

પદવી છે પણ કામ નથીઃ દેશમાં ૧.૧ કરોડ સ્‍નાતકો બેકારઃ ગુજરાતમાં આર્થિક શોષણ

બેરોજગાર યુવાનોમાં ઉકળાટ, મનિષ દોશીનો કકળાટ

રાજકોટ તા.૨૦: બેરોજગારી દેશની સૌથી મોટી સમસ્‍યા છે બહુ ઓછા યુવાનોને સ્નાતક થયા બાદ નોકરી મળે છે અને તે પણ ઓછા પગારની હોય છે. ડીગ્રી છે પણ કામ નથી, દેશમાં ૧.૧ કરોડ સ્‍નાતકો બેરોજગાર છે, લગભગ અડધા શિક્ષીત યુવાનોને પોતાની યોગ્‍યતા અનુરૂપ કામ મળતુ નથી. તેમ જણાવી કોંગ્રેસના મીડિયા કન્‍વીનર અને પ્રવક્‍તા ડો. મનિષ દોશીએ જણાવ્‍યું હતું કે, ‘‘ડેમોગ્રાફિક ડિવિડન્‍ડ''ની વાતો કરનાર અને દર વર્ષે ૨ કરોડ રોજગાર આપવાનો વાયદો કરનાર મોદી સરકારના ૧૨ વર્ષમાં ૨૪ કરોડ રોજગાર સર્જનને બદલે આજે બેરોજગારી સૌથી ગંભીર સમસ્‍યા બની છે. છેલ્લા ૪૫ વર્ષમાં સૌથી ઊંચો બેરોજગારી દર દેશના યુવાનો માટે ચિંતાજનક પરિસ્‍થિતિ ઉભી કરે છે.

દેશમાં બેરોજગાર યુવાનોમાં આશરે ૬૭ ટકા ગેજ્‍યુએટ્‍સ છે. ૧૯ થી ૨૫ વર્ષના સ્‍નાતક યુવાનોમાં બેરોજગારીનો દર ૩૯.૩૩ ટકા છે, જ્‍યારે ૨૫ થી ૨૯ વર્ષના સ્‍નાતકોમાં આ આંકડો લગભગ ૨૦ ટકા સુધી પહોંચ્‍યો છે. ૨૦૧૭ પછી શિક્ષિત યુવાનોમાં બેરોજગારીની સ્‍થિતિ સતત વણસી રહી છે. અહેવાલો મુજબ ૨૦૦૪ થી ૨૦૨૩ દરમિયાન દર વર્ષે આશરે ૫૦ લાખ નવા ગ્રેજ્‍યુએટ્‍સ ઉમેરાયા છે, જ્‍યારે રોજગારની તકો માત્ર લગભગ ૨૮ લાખ જેટલી જ વધી છે અને તેમાં પણ માત્ર ૧૭ લાખને પગારદાર નોકરી મળી છે. પરિણામે ‘‘ઘણા ગ્રેજ્‍યુએટ્‍સ અને ઓછી નોકરીઓ'' જેવી સ્‍થિતિ ઊભી થઈ છે, જે યુવાનોની આવક અને ભવિષ્‍ય બંને માટે હાનિકારક છે.

ડો. મનિષ દોશીએ જણાવ્‍યું હતું કે રાજ્‍યમાં વિવિધ સરકારી વિભાગોમાં ૨ લાખથી વધુ પદો લાંબા સમયથી ખાલી છે. વર્ષ ૧૯૯૫ બાદ મહેકમમાં પૂરતો વધારો કરવામાં આવ્‍યો નથી, જ્‍યારે રાજ્‍યની વસ્‍તી ૪.૪૮ કરોડથી વધીને ૭.૩૫ કરોડ થઈ ગઈ છે. આ સરકારના ગેરવહીવટ અને નિષ્‍ફળતાનું સ્‍પષ્ટ પ્રતિબિંબ છે. રાજ્‍યમાં કોન્‍ટ્રાક્‍ટ, આઉટર્સોસિંગ અને ફિક્‍સ પેની પ્રથાથી યુવાનોનું આર્થિક શોષણ થઈ રહ્યું છે. લગભગ ૨૦ ટકા જગ્‍યાઓ આ પદ્ધતિથી ભરાઈ રહી છે, જેના કારણે ‘‘સમાન કામ માટે સમાન વેતન''નો સિદ્ધાંત ખંડિત થાય છે. ગુજરાતમાં ૨.૭૦ લાખ નોંધાયેલા શિક્ષિત બેરોજગાર છે, જ્‍યારે ૨૫ લાખથી વધુ યુવાનો બેરોજગાર હોવા છતાં નોંધાયેલા નથી. ભરતી પ્રક્રિયામાં વિલંબ અને ગેરવ્‍યવસ્‍થાને કારણે યુવાનોમાં ભારે અસંતોષ ફેલાયો છે. અનેક યુવાનો પરીક્ષા પાસ કર્યા બાદ વર્ષો સુધી નિમણૂક માટે રાહ જુએ છે અથવા પ્રક્રિયા અટવાઈ જાય છે. ખાલી જગ્‍યાઓ તાત્‍કાલિક ભરી કાયમી ભરતી કરવામાં આવે, કોન્‍ટ્રાક્‍ટ અને આઉટર્સોસિંગ પ્રથા બંધ કરવામાં આવે, ભરતી પ્રક્રિયા પારદર્શક અને સમયબદ્ધ બનાવવામાં આવે તથા યુવાનોને સ્‍થિર અને યોગ્‍ય રોજગાર આપવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષે માંગ કરી છે.

(2:14 PM IST)