તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Friday, 20th March 2026
ગાંધીનગર મહાનગરપાલિકાના ઈન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર ઉપેન્દ્રકુમાર સુતરીયા ₹૧ લાખની લાંચ લેતા ઝડપાયા : એ.સી.બી. પી.આઈ. એમ.એમ. સોલંકીની સફળ ટ્રેપ
વાહન ટેક્ષની વિસંગતતા મુદ્દે એજન્સીનું લાયસન્સ રદ ન કરવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે માંગ્યા હતા નાણાં : મદદનીશ નિયામક ડી.એ. ચૌધરી અને હરેશ મેવાડાના માર્ગદર્શન હેઠળ છટકું ગોઠવી ભ્રષ્ટ અધિકારીની ધરપકડ

ગાંધીનગર: રાજ્યના પાટનગર ગાંધીનગરની મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારનો મોટો મામલો સામે આવ્યો છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઈન્ચાર્જ મદદનીશ મ્યુનિસિપલ કમિશનર અને ટેક્સ કલેક્ટર (વર્ગ-૧) તરીકે ફરજ બજાવતા ઉપેન્દ્રકુમાર ક્રાંતિલાલ સુતરીયા ₹૧,૦૦,૦૦૦ ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા છે. એન્ટી કરપ્શન બ્યુરો (A.C.B.) એ ભ્રષ્ટ અધિકારીની ચેમ્બરમાં જ છટકું ગોઠવીને આ સફળ ટ્રેપ પાર પાડી છે.
સમગ્ર ઘટનાની વિગત:
આ કેસની વિગત મુજબ, ફરિયાદ કરનાર જાગૃત નાગરિક વાહનોના ઓથોરાઈઝ્ડ ડીલર પાસેથી વાહનોના ખરીદ-વેચાણનો વ્યવસાય કરે છે. ફરિયાદીએ વેચેલા એક વાહનના ટેક્સ ભરવા બાબતે મહાનગરપાલિકામાં વિસંગતતા ઊભી થઈ હતી. આ બાબતે આરોપી ઉપેન્દ્રકુમાર સુતરીયાએ ફરિયાદી સામે કાયદેસરની કાર્યવાહી નહીં કરવા, પોલીસ ફરિયાદ ન કરવા તેમજ ફરિયાદીની એજન્સીનું લાયસન્સ રદ ન કરવાના અવેજમાં ₹૧,૦૦,૦૦૦ ની લાંચની માંગણી કરી હતી.
એ.સી.બી.નું આયોજનબદ્ધ છટકું:
ફરિયાદી લાંચના નાણાં આપવા માંગતા ન હોવાથી તેમણે ગાંધીનગર એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. ફરિયાદીની ફરિયાદના આધારે ગાંધીનગર એ.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એમ.એમ. સોલંકી દ્વારા છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. શુક્રવારે તા. ૨૦/૦૩/૨૦૨૬ ના રોજ ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે આરોપીની ઓફિસમાં જ ટ્રેપ ગોઠવવામાં આવી હતી.
ટ્રેપ દરમિયાન આરોપી ઉપેન્દ્રકુમાર સુતરીયાએ ફરિયાદી સાથે લાંચના નાણાં બાબતે હેતુલક્ષી વાતચીત કરી હતી અને ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારી હતી. જેવી આરોપીએ રકમ સ્વીકારી કે તુરંત જ એ.સી.બી.ની ટીમે તેમને રંગેહાથ પકડી લીધા હતા. એ.સી.બી.એ સ્થળ પરથી લાંચની ₹૧,૦૦,૦૦૦ ની રકમ પણ રિકવર કરી લીધી છે.
ઉચ્ચ અધિકારીઓનું માર્ગદર્શન:
આ સમગ્ર ઓપરેશન ગાંધીનગર એ.સી.બી. એકમના ઈન્ચાર્જ મદદનીશ નિયામક ડી.એ. ચૌધરી અને અમદાવાદના નાયબ નિયામક હરેશ મેવાડાના સુપરવિઝન હેઠળ પાર પાડવામાં આવ્યું હતું. વર્ગ-૧ ના અધિકારી લાંચ લેતા ઝડપાતા મહાનગરપાલિકાના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલ એ.સી.બી. દ્વારા આરોપી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
(5:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
