News of Saturday, 21st March 2026
સરકારી વાહનને ૧૦ વર્ષ થયા હોય અને અઢી લાખ કિમી ફરેલું હોય તો રદ કરાશે
૧૫ વર્ષ થઇ ગયા હોય તેવા વાહનોને સ્ક્રેપ કરાશે : સમયસર વાહનો રદબાતલ ન કરાતા વાહન વ્યવહાર વિભાગની નવી કાર્યપધ્ધતિ

અમદાવાદ,તા.૨૧: રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા સરકારી વાહનો રદબાતલ કરવા માટે નવી કાર્યપધ્ધતિ જાહેર કરાઈ છે. સરકારની સૂચના અને માપદંડોમાં સમાવેશ થતો હોય તેમ છતાં વાહનો નિયત સમયે રદબાતલ કરવામાં આવતા ન હતા. સમયસર નિકાલ ન થતા અને વાહનો બંધ પડી રહેતા હોવાથી સરકારને નિકાલ વખતે પણ ઓછી કિમત આવતી હોવાથી નુકસાન થતું હતું.
સરકારી વાહનોને રદબાતલ કરવા સંદર્ભે વાહન વ્યવહાર વિભાગે માર્ચ-૨૦૨૬માં જારી કરેલી કાર્ય પધ્ધતિ મુજબ વાહન અઢી લાખ કિલોમીટર ફરેલું હોય અને ૧૦ વર્ષ પૂર્ણ થઈ ગયા હોય તો કચેરીના વડા દ્વારા તેને રદબાતલ જાહેર કરી શકાશે. જો વાહન અઢી લાખ કિલોમીટર ફરેલું હોય પણ ૧૦ વર્ષ પૂર્ણ ન થાય હોય કે અઢી લાખ કિલોમીટર ફરેલું ન હોય પરંતુ ૧૦ વર્ષ પૂર્ણ થઈ ગયા હોય તેવા સંજોગોમાં વાહન ઉપયોગમાં લેવાપાત્ર ન હોય તો પણ તેને કચેરીના વડા દ્વારા રદ કરી શકાશે. આ બન્ને શરતો પૂર્ણ ન થતી હોય છતાં વાહન ઉપયોગમાં લઈ શકાય તેમ ન હોય તો નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા વિભાગ અથવા માર્ગ મકાન વિભાગ હસ્તકના અધિક્ષક ઈજનેરનો અભિપ્રાય લઇ નિર્ણય લઇ શકાશે.
કેન્દ્રીય મોટર વાહન નિયમ મુજબ ૧૫ વર્ષ કે તેથી વધુ આયુ ધરાવતા સરકારી વાહનોને ફરજીયાત રજીસ્ટર્ડ વ્હિકલ સ્ક્રેપિગ સુવિધા મારફતે સ્ક્રેપ કરવામાં આવશે. વાહનને ૧૫ વર્ષ ન થયા હોય પરંતુ ઓથોરિટી દ્વારા વાહનને રદબાતલ કરવું પડે તેવી સ્થિતિ હોય તો તેને સ્ક્રેપ કરવું કે તેનો જાહેર હરાજીથી ઉપયોગ માટે નિકાલ કરવો તે વાહનની મૂળ કચેરી દ્વારા નિર્ણય લેવામાં આવશે. વાહનોના નિકાલ માટે હરાજી સંદર્ભે તળિયાની કિમત મૂળ ખરીદ કિમત (ટેક્ષ વિના) ૪ ટકા લેખે ગણવાની રહેશે. નોડલ અધિકારીએ વર્ષમાં દર ત્રણ મહિને આ માટે પ્રક્રિયા કરવાની રહેશે. ગૃહ વિભાગના વાહનો, એસટી નિગમ, આરોગ્ય, માર્ગ-મકાન અને મહાનગરો-નગરપાલિકાના વાહનોને ઠરાવની આ જોગવાઈ લાગુ પડશે નહીં તેમ પણ કાર્યપધ્ધતિમાં વધુમાં જણાવાયું છે.
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
