<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st March 2026

ગુજરાતમાં બેરોજગારી દર માત્ર ૧.૧ ટકા, ઔદ્યોગિક વિકાસ ક્રાંતિ તરફઃ અનિલ પટેલ

કોંગ્રેસના આક્ષેપોને તથ્‍ય વગરના ગણાવતા ડો.અનિલ પટેલ

અમદાવાદ, તા.૨૧: રાજ્‍યમાં બેરોજગારી સંદર્ભના કોંગ્રેસના આક્ષેપ બાબતે ભાજપા પ્રદેશ મુખ્‍ય પ્રવક્‍તા ડૉ. અનિલભાઈ પટેલે જણાવ્‍યું હતું કે આ આક્ષેપો બેબુનિયાદ,  તથ્‍યવિહીન,ગેરમાર્ગે દોરનાર અને રાજકીય એજન્‍ડાથી પ્રેરિત છે. ગુજરાતમાં બેરોજગારીનો દર ફક્‍ત ૧.૧% છે. ગુજરાત એક સમળદ્ધ રાજ્‍ય છે. ગુજરાતની માટીમાં જ વેપાર અને સાહસ, અહીંનું કલ્‍ચર માત્ર રોજગારી મેળવવાનું નથી, પણ હજારો હાથોને કામ આપવાનું છે. ગુજરાતનો યુવાન આજે સાબિત કરી રહ્યો છે કે તે જોબ સીકર નહીં, પણ આત્‍મનિર્ભર જોબ ગીવર છે.

ડૉ. અનિલભાઈ પટેલે વધુ વિગતો આપતા જણાવ્‍યું હતું કે ગુજરાત દેશના સૌથી મોટા ઔદ્યોગિક રાજ્‍યોમાંનું એક છે. સમગ્ર દેશમાંથી લોકો રોજગારી મેળવવા ગુજરાતમાં આવે છે. રાજ્‍ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગે ૭ હજારથી વધુ ભરતી મેળાના આયોજન થકી ૮ લાખથી વધુ યુવાનોને રોજગારી આપી છે. જયારે છેલ્લા પાંચ વર્ષમાં રોજગાર કચેરીઓ દ્વારા ૧૫ લાખથી વધુ ઉમેદવારોને રોજગારી આપવામાં આવી છે.

ડૉ. પટેલે ઉમેર્યું હતું કે World Bank અને DPIIT રેન્‍કિંગમાં ગુજરાત ટોપ રાજ્‍યોમાં સ્‍થાન પામે છે. સ્‍ટાર્ટઅપ ક્ષેત્રે ભારત સમગ્ર વિશ્વમાં ૩જો ક્રમાંક ધરાવે છે. દેશમાં ૧.૬૪ લાખથી વધુ સ્‍ટાર્ટઅપ અને તેમાં પણ ૧૨૫ કરતા વધુ યુનિકોર્ન સ્‍ટાર્ટઅપ નોંધાયા છે, જે ૨૧ લાખથી વધુ લોકોને રોજગારી આપી રહ્યા છે. ગુજરાત પણ સ્‍ટાર્ટઅપ હબ તરીકે ભરતું રાજ્‍ય બન્‍યું છે. રાજ્‍યની ભાજપા સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકીને યુવાનોને આર્થિક રીતે પગભર કરવાનું કામ કર્યું છે. ઈ-શ્રમ પોર્ટલ પર બિનસંગઠિત ક્ષેત્રનાં ૧.૧૯ કરોડ કામદારો રજીસ્‍ટર્ડ થયેલા છે. Udyam પોર્ટલ પર રજીસ્‍ટ્રેશન થયેલ MSMEs ની સંખ્‍યા ૩૭.૫૬ લાખ છે. અહીં એ પણ નોંધવું જરૂરી છે કે એક MSME ઓછામાં ઓછા ૫ થી ૧૦ લોકોને રોજગારી આપે છે.

ડૉ. પટેલે કહ્યું હતું કે DMIC, પોર્ટ, હાઇવે, GIFT City જેવા પ્રોજેક્‍ટ્‍સ દ્વારા લાખો સીધી અને પરોક્ષ નોકરીઓ સર્જાઈ રહી છે. સેમિકન્‍ડક્‍ટર ક્ષેત્રે પણ ગુજરાત ઉત્‍પાદનમાં અગ્રેસર બની રહ્યું છે, જેમાં ધોલેરા SIR અને સાણંદ GIDC ખાતે ટાટા ઇલેક્‍ટ્રોનિક્‍સ, માઇક્રોન અને CG પાવર જેવા પ્રોજેક્‍ટ્‍સ દ્વારા ૩૫ હજાર કરોડથી પણ વધુના રોકાણ દ્વારા ૫૩,૦૦૦ થી વધુ પ્રત્‍યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો સર્જાશે. આ પ્રોજેક્‍ટ્‍સ ૨૦૨૬ થી વાણિજ્‍યિક ઉત્‍પાદન શરૂ કરવાના લક્ષ્યાંક સાથે, રાજ્‍યના ઔદ્યોગિક વિકાસમાં મોટી ક્રાંતિ લાવશે. ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સેમિકન્‍ડક્‍ટર પોલિસી ૨૦૨૨-૨૦૨૭ ગુજરાતને ઈન્‍ડિયાઝ ગેટવે ટુ સિલિકોન તરીકે સ્‍થાપિત કરવામાં ખૂબ મહત્‍વની સાબિત થશે. ગુજરાતમાં પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ ૧.૮૧ લાખથી વધુ કારીગરોને તાલીમબદ્ધ બનાવવામાં આવ્‍યા છે.

આ યોજના હેઠળ ૩૨,૦૦૦ થી વધુ લાભાર્થીઓને રૂ.૨૯૦ કરોડથી વધુ આર્થિક અનુદાન કરવામાં આવ્‍યું છે. અંતમાં ડૉ. અનિલ પટેલે કોંગ્રેસને જ પ્રશ્‍નો કર્યા હતા કે જો ગુજરાતમાં રોજગાર નથી, તો લોકો અહીં કામ માટે કેમ આવે છે? ઉદ્યોગપતિઓ ગુજરાતને જ કેમ પસંદ કરે છે? બેરોજગારી દર ઓછો કેમ છે? વાસ્‍તવમાં સમસ્‍યા આંકડાઓમાં નથી પણ વિપક્ષની માનસિકતામાં છે. 

(2:19 PM IST)