News of Saturday, 21st March 2026
વડોદરાની સયાજી હોસ્પિટલના તબીબોનો અદભૂત ચમત્કાર: ગળાના કેન્સરથી અવાજ ગુમાવનાર ગરીબ દર્દીને અમેરિકન ટેકનોલોજીથી મળ્યું 'નવું જીવન'
ઓન્કોસર્જન ડો. નિસર્ગ શાહ અને તેમની ટીમે અત્યંત જટિલ 'ટોટલ લેરીન્જેક્ટમી' સર્જરી સફળતાપૂર્વક પાર પાડી; PMJAY યોજના હેઠળ લાખોની સારવાર તદ્દન મફત કરાઈ

વડોદરા: વડોદરાની ખ્યાતનામ સયાજી હોસ્પિટલે તબીબી જગતમાં ફરી એકવાર પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે. ગળાના કેન્સરના ગંભીર તબક્કામાંથી પસાર થઈ રહેલા એક ગરીબ દર્દી માટે અહીંના તબીબો 'દેવદૂત' સાબિત થયા છે. વર્ષોથી કેન્સરની પીડા ભોગવતા અને અવાજ ગુમાવવાની અણી પર રહેલા દર્દીની જટિલ સર્જરી કરીને તેને ફરીથી બોલતો કરવામાં આવ્યો છે.
જાણીતા ઓન્કોસર્જન ડૉ. નિસર્ગ શાહ અને તેમની નિષ્ણાત ટીમ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીમાં 'ટોટલ લેરીન્જેક્ટમી' (સ્વરપેટી દૂર કરવી) અને 'ટીઈ પ્રોસ્થેસિસ' (TE Prosthesis) જેવી અત્યાધુનિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સામાન્ય રીતે આવી સર્જરીમાં દર્દી કાયમ માટે મૂંગો થઈ જતો હોય છે, પરંતુ અહીં અમેરિકન ટેકનોલોજીના ઉપયોગથી અશક્યને પણ શક્ય બનાવવામાં આવ્યું છે.
સિલિકોન વાલ્વની જાદુઈ કરામત
આ સર્જરી અંગે વિગતો આપતા ડૉ. નિસર્ગ શાહે જણાવ્યું હતું કે, કેન્સરના કારણે દર્દીની કુદરતી સ્વરપેટી દૂર કરવી અનિવાર્ય હતી. જોકે, દર્દી ફરીથી બોલી શકે તે માટે શ્વાસનળી અને અન્નનળી વચ્ચે અમેરિકન બનાવટનો એક ખાસ 'સિલિકોન વાલ્વ' બેસાડવામાં આવ્યો છે. આ વાલ્વ એવી રીતે કામ કરે છે કે હવા અન્નનળીમાં પહોંચે છે જેથી અવાજ પેદા થાય છે, જ્યારે ખોરાકને ફેફસામાં જતા અટકાવે છે. આમ, હવે દર્દીની અન્નનળી જ તેની નવી સ્વરપેટી તરીકે કાર્ય કરશે.
ખાનગીમાં લાખોનો ખર્ચ, સયાજીમાં મફત સારવાર
નોંધનીય છે કે, ખાનગી હોસ્પિટલોમાં આ પ્રકારની આંતરરાષ્ટ્રીય સ્તરની સર્જરી અને અમેરિકન પ્રોસ્થેસિસનો ખર્ચ લાખો રૂપિયામાં થતો હોય છે, જે મધ્યમ કે ગરીબ વર્ગના દર્દી માટે સપના સમાન છે. પરંતુ સયાજી હોસ્પિટલમાં આયુષ્યમાન ભારત (PMJAY) યોજનાના પ્રતાપે આ મોંઘીદાટ સારવાર તદ્દન મફત પૂરી પાડવામાં આવી છે.
આ સફળ ઓપરેશનમાં સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રંજન ઐયરના માર્ગદર્શન હેઠળ ડૉ. શિવાંગ, ડૉ. એન.જે. શાહ અને એનેસ્થેસિયા વિભાગના ડૉ. દિવ્યા માથુર સહિતની ટીમે દિવસ-રાત મહેનત કરી હતી. ફરીથી પોતાનો અવાજ પાછો મેળવીને દર્દી અને તેના પરિવારે ગદગદિત હૃદયે હોસ્પિટલના સ્ટાફ અને સરકારનો આભાર માન્યો હતો.
(6:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
