તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st March 2026
અમદાવાદમાં UCC મુદ્દે જંગ: ઐતિહાસિક જુમ્મા મસ્જિદ બહાર AIMIMના ઉગ્ર વિરોધ પ્રદર્શનથી અફરાતફરી, પોલીસે દેખાવકારોની કરી અટકાયત
"UCC હટાવો, દેશ બચાવો"ના નારા સાથે કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા; મંજૂરી વિના પ્રદર્શન કરતા DCP રૂપલ સોલંકીની ટીમે ત્વરિત કાર્યવાહી કરી મામલો થાળે પાડ્યો

અમદાવાદ: ગુજરાત વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલ પસાર કરવાની હિલચાલ તેજ થતા જ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આજે રમજાન ઈદના પવિત્ર પર્વ પર જ અમદાવાદની ઐતિહાસિક જુમ્મા મસ્જિદ બહાર હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. AIMIM પાર્ટીના કાર્યકર્તાઓએ એકાએક એકઠા થઈને UCC વિરુદ્ધ મોરચો માંડ્યો હતો, જેને પગલે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાઈ હતી.
શરિયત અને સંસ્કૃતિના હવાલા સાથે વિરોધ
હાથમાં "UCC રદ કરો" અને "દેશ બચાવો" લખેલા બેનરો સાથે AIMIMના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા. પ્રદર્શનમાં જોડાયેલી મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે આ કાયદો તેમની શરિયતની વિરુદ્ધ છે અને તે દેશની પૌરાણિક સંસ્કૃતિને નુકસાન પહોંચાડશે. એક પ્રદર્શનકારીએ તો ત્યાં સુધી કહ્યું કે, "ભલે ઉત્તરાખંડમાં વિરોધ ન થયો હોય, પણ અમે ગુજરાતમાં આ કાયદાને સ્વીકારીશું નહીં." આ દરમિયાન લિવ-ઇન રિલેશનશિપ જેવા મુદ્દાઓને પ્રોત્સાહન મળતું હોવાના ગંભીર આક્ષેપો પણ સરકાર પર કરવામાં આવ્યા હતા.
પોલીસની ત્વરિત કાર્યવાહી: પાંચની અટકાયત
વિરોધ પ્રદર્શનની ઉગ્રતા વધતા જ અમદાવાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. DCP ઝોન-3 રૂપલ સોલંકીના જણાવ્યા અનુસાર, પત્થર કુઆ નજીક જામા મસ્જિદ પાસે પાંચ લોકોનું જૂથ કોઈપણ પૂર્વ મંજૂરી વિના એકઠું થયું હતું. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે હેતુથી પોલીસે તુરંત જ તમામ પ્રદર્શનકારીઓની અટકાયત કરી તેમને પોલીસ સ્ટેશન ખસેડ્યા હતા. રમજાન ઈદનો તહેવાર હોવાથી સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
UCC બિલ પર સૌની નજર
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર આગામી દિવસોમાં UCC બિલ વિધાનસભામાં લાવવાની તૈયારી કરી રહી છે ત્યારે આ પ્રકારના વિરોધ પ્રદર્શનો આગામી દિવસોમાં વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે. હાલમાં તો પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે, પરંતુ રાજકીય આલમમાં આ મુદ્દો ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
(6:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
