<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st March 2026

અમદાવાદના વાડજમાં કાળજું કંપાવતો અકસ્માત: બેદરકાર ટેન્કર ચાલકે રિવર્સમાં ગાડી લઈ 7 વર્ષની માસૂમ બાળકીને કચડી નાખી, માથા પર ટાયર ફરી વળતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત

BRTS બસ સ્ટેશન પાસે રમતી બે સખીઓને ટેન્કરે અડફેટે લીધી; અસ્મિતાનું માથું છુંદાઈ ગયું જ્યારે અન્ય બાળકી ગંભીર ઈજાગ્રસ્ત, ફરાર ડ્રાઈવરને પકડવા પોલીસના ચક્રો ગતિમાન

અમદાવાદ: મેગા સિટી અમદાવાદના રસ્તાઓ જાણે માસૂમ બાળકો માટે રક્તરંજિત બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ગઈકાલે CTM એક્સપ્રેસ હાઈવે પર બનેલી કરુણ ઘટનાની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં આજે જૂના વાડજ વિસ્તારમાં એક બેદરકાર ટેન્કર ચાલકે રમત-ગમતમાં મશગૂલ એવી 7 વર્ષની બાળકીનો ભોગ લીધો છે. ટેન્કર ચાલકે પાછળ જોયા વગર જ પુરપાટ ઝડપે વાહન રિવર્સમાં લેતા આ સર્જાયેલા અકસ્માતે સમગ્ર વિસ્તારમાં શોક અને રોષની લાગણી ફેલાવી દીધી છે.
મળતી વિગતો અનુસાર, વાડજ વિસ્તારમાં છૂટક મજૂરી કરી પરિવારનું ભરણપોષણ કરતા સંજયભાઈ સોલંકીની સાત વર્ષની દીકરી અસ્મિતા પોતાની બહેનપણીઓ સાથે BRTS બસ સ્ટેશન નજીકના જાહેર રોડ પર રમી રહી હતી. આ માસૂમ બાળકીઓ પોતાની મસ્તીમાં હતી ત્યારે જ એક બેકાબૂ ટેન્કરના ચાલકે પાછળ કોઈ છે કે નહીં તેની પરવા કર્યા વગર જ રિવર્સમાં વાહન હંકાર્યું હતું. ટેન્કરની અડફેટે આવતા જ અસ્મિતા અને તેની સખી નીચે પટકાઈ હતી.
માથું છુંદાઈ ગયું, લોહીના ખાબોચિયા ભરાયા
ઘટના એટલી ભયાનક હતી કે બાળકીઓ નીચે પટકાઈ હોવા છતાં ટેન્કર ચાલકે બ્રેક મારવાને બદલે વાહન હંકારી રાખ્યું હતું. પરિણામે, કાળ બનીને આવેલા ટેન્કરનું તોતિંગ ટાયર અસ્મિતાના માથા પરથી ફરી વળ્યું હતું. તેનું માથું ખરાબ રીતે છુંદાઈ જતા અને ગંભીર ઈજાઓ પહોંચતા અસ્મિતાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. તેની સાથે રમી રહેલી અન્ય એક બાળકી પણ લોહીલુહાણ હાલતમાં ઈજાગ્રસ્ત થઈ હતી, જેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
લોકોના ટોળેટોળા ઉમટ્યા, ડ્રાઈવર ફરાર
આ કમકમાટીભર્યા અકસ્માતને નજરે જોનારા લોકોના રૂંવાડા ઉભા થઈ ગયા હતા. અકસ્માત સર્જીને ટેન્કર ચાલક પોતાનું વાહન મૂકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતા જ વાડજ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને અસ્મિતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. પોલીસે હાલમાં મોટર વ્હીકલ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી, ફરાર ડ્રાઈવરની શોધખોળ માટે સીસીટીવી ફૂટેજ તપાસવાની કામગીરી હાથ ધરી છે.

(6:34 PM IST)