<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st March 2026

ગૃહમંત્રી હર્ષ સંઘવીની ગુનેગારોને 'ફાઈનલ' વોર્નિંગ: "લુખ્ખાગીરી છોડી દેજો, નહીંતર ગુજરાત પોલીસ 'હનુમાન' બનીને અડધી રાત્રે પણ સીધા કરશે"

વડોદરાને ₹725 કરોડના વિકાસકાર્યોની ભેટ; પોલીસ પરિવારો માટે 20,000 નવા આવાસની જાહેરાત સાથે વિપક્ષ અને સોશિયલ મીડિયાના ટીકાકારો પર કર્યા આકરા પ્રહાર

વડોદરા: સંસ્કારી નગરી વડોદરાની મુલાકાતે આવેલા રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી આજે પૂરા ફોર્મમાં જોવા મળ્યા હતા. કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સના લોકાર્પણ પ્રસંગે તેમણે મંચ પરથી જ અસામાજિક તત્વો અને ગુનેગારોને ખુલ્લી ચેતવણી આપી દીધી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, જો કોઈ પણ ટપોરી કે લુખ્ખા તત્વો સામાન્ય જનતાની શાંતિ હણવાનો પ્રયાસ કરશે, તો ગુજરાત પોલીસ 'બજરંગબલી'નું રૂપ ધારણ કરીને તેમને પાઠ ભણાવતા ખચકાશે નહીં.
પોલીસના સમર્થનમાં સિંહગર્જના
પોતાના સંબોધનમાં હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસના જવાનોની પીઠ થાબડતા કહ્યું કે, "જ્યારે વાવાઝોડું, મુશળધાર વરસાદ કે કાળઝાળ ગરમીમાં સામાન્ય લોકો પોતાના ઘરના દરવાજા બંધ કરી દે છે, ત્યારે મારો પોલીસ પરિવાર રસ્તા પર ખડેપગે જનતાની રક્ષા કરે છે." તેમણે વધુમાં ઉમેર્યું કે દેશના ઇતિહાસમાં પહેલીવાર ગુજરાતમાં પોલીસ જવાનો માટે એકસાથે 20,000 આવાસ બનાવવાનું ભગીરથ કાર્ય ચાલી રહ્યું છે, જે એક રેકોર્ડ છે.
વડોદરાને મળ્યું ₹725 કરોડનું 'ડેવલપમેન્ટ પેકેજ'
વડોદરાના વિકાસ અંગે વાત કરતા તેમણે ગૌરવભેર જણાવ્યું કે છેલ્લા માત્ર 15 જ દિવસમાં વડોદરાને 725 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટ્સની ભેટ મળી છે. જેમાં કરજણના મોટી કોરલ ખાતે ₹207 કરોડના ખર્ચે નિર્માણ પામનારો ઐતિહાસિક બ્રિજ વડોદરાની કનેક્ટિવિટીમાં નવો અધ્યાય લખશે. વડોદરા હવે માત્ર કળા અને સંસ્કૃતિમાં જ નહીં, પણ ટેક્નોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ નંબર 1 બનવા તરફ અગ્રેસર છે.
સોશિયલ મીડિયાના ટીકાકારોને સણસણતો જવાબ
વિકાસના વિરોધીઓ અને સોશિયલ મીડિયા પર નકારાત્મકતા ફેલાવનારાઓ પર કટાક્ષ કરતા ગૃહમંત્રીએ કહ્યું કે, "અત્યારે સ્થિતિ એવી છે કે 10 કિલોમીટરના સાફ રસ્તા પર જો 500 મીટર કચરો દેખાય, તો લોકો તેના વીડિયો વાયરલ કરે છે, પણ બાકીનો સાડા નવ કિલોમીટરનો ચકાચક રોડ કોઈને દેખાતો નથી." તેમણે લોકોને વિનંતી કરી કે સોશિયલ મીડિયાના પ્રોપેગાન્ડામાં આવ્યા વગર ભૂતકાળના શાસન અને વર્તમાનના મોદી શાસન વચ્ચેનો તફાવત સમજે.

(6:34 PM IST)