<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st March 2026

વડોદરામાં ભર ઉનાળે 'જળ સંકટ': કપુરાઈ અને ગાયત્રીનગર વિસ્તારમાં બે દિવસ પાણી કાપની જાહેરાત, 1 લાખથી વધુ મકાનોમાં સર્જાશે અછત

પાલિકા દ્વારા મેન્ટેનન્સ અને ફ્લોમીટર બેસાડવાની કામગીરીને પગલે 23 અને 24 માર્ચે પાણી વિતરણ ખોરવાશે; ગૃહિણીઓની મુશ્કેલીમાં વધારો, પાણીનો સંગ્રહ કરવા તંત્રની અપીલ

વડોદરા: ઉનાળાનો પારો ગરમાવાની સાથે જ વડોદરાવાસીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા સમારકામ અને નવી લાઇનના જોડાણની કામગીરીને પગલે શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારના અનેક રહીશોને આગામી સોમવાર અને મંગળવારે પાણી માટે વલખાં મારવા પડી શકે છે. ખાસ કરીને કપુરાઈ અને ગાયત્રીનગર પાણીની ટાંકી હેઠળ આવતા વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 'વોટર કટ' જાહેર કરવામાં આવ્યો છે.
કપુરાઈ ટાંકી વિસ્તારમાં સોમવારે સાંજથી અસર
કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગના જણાવ્યા અનુસાર, કપુરાઈ ટાંકી ખાતે 600 mmની નવી ડિલિવરી લાઇનના જોડાણની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ કારણે 23 માર્ચ, સોમવારના રોજ સાંજનું પાણી વિતરણ સંપૂર્ણપણે બંધ રહેશે. એટલું જ નહીં, તેની અસર બીજા દિવસે એટલે કે 24 માર્ચ, મંગળવારના રોજ પણ જોવા મળશે, જેમાં સવારનું પાણી મોડું, ઓછા પ્રેશરથી અને ટૂંકા સમય માટે આપવામાં આવશે.
ગાયત્રીનગરમાં ફ્લોમીટરની કામગીરીથી વિક્ષેપ
બીજી તરફ, ગાયત્રીનગર પાણીની ટાંકી ખાતે 450 mmની મુખ્ય ફીડર લાઈનમાં અત્યાધુનિક ફ્લોમીટર બેસાડવાનું આયોજન કરાયું છે. આ કામગીરી સોમવારે સવારનું વિતરણ પત્યા બાદ શરૂ કરાશે. જેના પરિણામે 23 માર્ચની સાંજે ગાયત્રીનગર ટાંકી હેઠળના તમામ ઝોનમાં પાણી વિતરણમાં વિલંબ થશે અને લોકોને પૂરતા પ્રેશરથી પાણી મળશે નહીં.
ઉનાળાની શરૂઆતે જ ગૃહિણીઓ પરેશાન
હજુ તો ઉનાળાની માંડ શરૂઆત થઈ છે ત્યાં જ પાણી કાપની જાહેરાતે ગૃહિણીઓનું બજેટ અને કામકાજ ખોરવી નાખ્યું છે. અંદાજે 1 લાખથી વધુ પરિવારોને આ કાપની સીધી અસર થવાની શક્યતા છે. મહાનગરપાલિકા તંત્રએ નાગરિકોને અનુરોધ કર્યો છે કે તેઓ અગાઉથી જ જરૂરી પાણીનો સંગ્રહ કરી લે અને આ બે દિવસ દરમિયાન પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરે જેથી દૈનિક કાર્યોમાં કોઈ મોટી અડચણ ન આવે.

(6:36 PM IST)