<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st March 2026

સુરતીઓ હવે 'સુપરફૂડ'ના રંગે રંગાશે: અડાજણમાં બે દિવસીય 'મિલેટ મહોત્સવ'નો ધમધમાટ, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ કરાવ્યું ભવ્ય ઉદ્ઘાટન

"ફેમિલી ડોક્ટર નહીં, હવે 'ફેમિલી ફાર્મર'નો જમાનો"- મંત્રીની ભેળસેળિયા તત્વોને કડક ચેતવણી; 35 સ્ટોલ્સ પર પ્રાકૃતિક ખેતીના અનાજ અને 15 લાઈવ ફૂડ સ્ટોલ્સ પર વાનગીઓની જમાવટ

સુરત: હીરા અને ટેક્સટાઈલ સિટી સુરતમાં હવે પૌષ્ટિક આહારની સુવાસ પ્રસરી છે. રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા અડાજણના હનીપાર્ક રોડ સ્થિત જોગાણીનગર પાર્ટી પ્લોટમાં બે દિવસીય ‘મિલેટ્સ મહોત્સવ-પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-2026’નો રંગેચંગે પ્રારંભ થયો છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ આ મહોત્સવને ખૂલ્લો મૂકતા સુરતીઓને રાસાયણિક મુક્ત અને પૌષ્ટિક એવા 'જાડા ધાન્ય' (મિલેટ્સ) તરફ વળવા આહવાન કર્યું હતું.
સ્વાસ્થ્યની જડીબુટ્ટી એટલે મિલેટ્સ
મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે મંત્રી પ્રફુલ પાનશેરિયાએ એક અત્યંત મહત્વની વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, "જેમ આપણે ફેમિલી ડોક્ટર રાખીએ છીએ, તેમ હવે શુદ્ધ આહાર માટે 'ફેમિલી ફાર્મર' રાખવાનો સમય આવી ગયો છે. જો ખેડૂત સીધો તમારા રસોડા સુધી શુદ્ધ અનાજ પહોંચાડશે, તો હોસ્પિટલ જવાની જરૂર જ નહીં પડે." તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલથી સમગ્ર વિશ્વમાં ભારતીય ધાન્ય પ્રત્યે આવેલી જાગૃતિને બિરદાવી હતી અને ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરનારા અસામાજિક તત્વોનો સામાજિક બહિષ્કાર કરવા પણ અપીલ કરી હતી.
ખેતરથી સીધું થાળી સુધી: લાઈવ ફૂડ સ્ટોલ્સ
આ મહોત્સવમાં દક્ષિણ ગુજરાતના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના 35 જેટલા સ્ટોલ્સ ઉભા કરાયા છે. અહીં નાગલી, કોદરો, જુવાર, બાજરી, આંબા મોર રાઈસ, શુદ્ધ મધ અને દેશી ગોળ જેવી ચીજવસ્તુઓ સીધી ખેડૂતો પાસેથી ખરીદી શકાશે. સુરતીઓ માટે ખાસ આકર્ષણ 15 લાઈવ ફૂડ સ્ટોલ્સ છે, જ્યાં નાગલીના ઢોકળા અને શીરો, બાજરીના ગરમાગરમ રોટલા, મિલેટ વડા અને પૌષ્ટિક પેજુ જેવી વાનગીઓનો સ્વાદ માણી શકાય છે.
કૃષિ વિજ્ઞાન અને ઋષિ પરંપરાનો સંગમ
મંત્રીએ ભારતીય સંસ્કૃતિના કૃષિ વિજ્ઞાનનો ઉલ્લેખ કરતા દધિચી ઋષિની અળસિયા ખેતી અને ગૃત્સમદ ઋષિની કપાસની શોધ વિશે વાત કરી હતી. આ મહોત્સવમાં માત્ર વેચાણ જ નહીં, પરંતુ કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા મિલેટ્સનું મહત્વ, ઓર્ગેનિક સર્ટિફિકેશન અને ફૂડ પ્રોસેસિંગ વિશે લાઈવ ડેમોન્સ્ટ્રેશન દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે. તા.22મી માર્ચ સુધી સવારે 9:00 થી રાત્રે 8:00 વાગ્યા સુધી આ મહોત્સવ સુરતીઓ માટે ખુલ્લો રહેશે.
આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલ, ધારાસભ્ય પ્રવિણ ઘોઘારી સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોના ઉત્સાહમાં વધારો કર્યો હતો.

(6:59 PM IST)