<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st March 2026

સુરતમાં 'માસૂમ બાળક'ને આગળ ધરી વૃદ્ધાઓને લૂંટતી રીક્ષા ગેંગનો પર્દાફાશ: ક્રાઈમ બ્રાન્ચે મહિલા સહિત 4ને દબોચ્યા, 14 ચોરીની કબૂલાત

દોઢ વર્ષના બાળકને ખોળામાં રાખી મહિલા 'કટ્ટર'થી દાગીના કાપી લેતી; રાંદેર, અડાજણ અને પાલ વિસ્તારમાં આતંક મચાવનાર ટોળકી પાસેથી ₹12.57 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરત: સુરત શહેરમાં રિક્ષામાં મુસાફરોના સ્વાંગમાં બેસી વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવતી એક અત્યંત શાતિર ગેંગને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે. આ ગેંગની ખાસિયત એ હતી કે તેઓ પોતાની સાથે દોઢ વર્ષના બાળકને રાખતા હતા જેથી પેસેન્જરને શંકા ન જાય. પોલીસે આ મામલે એક મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી સોનાના ઘરેણાં અને રિક્ષા સહિત લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે.
બાળકનો સહારો લઈ ખેલતા લોહિયાળ ખેલ
આ ગેંગની મોડસ ઓપરેન્ડી જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ગેંગના સભ્યો રિક્ષાની નંબર પ્લેટ બદલીને શહેરના પોશ વિસ્તારો જેવા કે અડાજણ, પાલ અને જહાંગીરપુરામાં નીકળતા હતા. રિક્ષામાં અગાઉથી જ ગેંગના સભ્યો પેસેન્જર બનીને બેસી જતાં. ગૌરીબેન નામની મહિલા આરોપી પોતાના ખોળામાં દોઢ વર્ષના બાળકને રાખતી હતી. જ્યારે કોઈ વૃદ્ધા રિક્ષામાં બેસતી, ત્યારે "બાળક સાથે બેસવામાં અગવડ પડે છે" તેમ કહી વૃદ્ધાને આઘાપાછા કરી ભીંસમાં લેતા હતા. આ તકનો લાભ ઉઠાવી ગૌરીબેન કટ્ટર વડે વૃદ્ધાના સોનાના મંગળસૂત્ર કે બંગડી કાપી લેતી હતી.
ચોરી કર્યા બાદ અધવચ્ચે ઉતારી દેતા
દાગીના ચોરાઈ ગયા બાદ આરોપીઓ "રિક્ષામાં જગ્યા નથી" અથવા "બીજો પેસેન્જર આવવાનો છે" તેમ કહીને વૃદ્ધાને રસ્તામાં જ ઉતારીને રફુચક્કર થઈ જતા હતા. ભોગ બનનાર મહિલાને ઘરે પહોંચ્યા બાદ ખબર પડતી કે તેના કિંમતી ઘરેણાં ગાયબ છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ઓલપાડ-જહાંગીરપુરા રોડ પરથી કાશીરામ સોલંકી, અરવિંદ ધડુક, શંકર સોલંકી અને ગૌરીબેન સોલંકીની અટકાયત કરી છે. પૂછપરછમાં આ ટોળકીએ સુરતના અલગ-અલગ વિસ્તારોમાં 14 જેટલી ચોરીઓ કરી હોવાની કબૂલાત કરી છે.
પોલીસે લાખોનો મુદ્દામાલ રિકવર કર્યો
પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે ₹3.79 લાખનું મંગળસૂત્ર, ₹2.89 લાખની સોનાની બંગડીઓ, ₹4.48 લાખની સોનાની લગડીઓ, બે રિક્ષા અને ચોરીમાં વપરાતા 9 નંગ કટ્ટર સહિત કુલ ₹12,57,770નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગેંગ પકડાતા જહાંગીરપુરા, અડાજણ અને પાલ પોલીસ મથકમાં નોંધાયેલા અનેક વણઉકેલ્યા ગુનાઓનો ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ગેંગે અન્ય કયા શહેરોમાં આ પ્રકારે ગુના આચર્યા છે.

(7:30 PM IST)