<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st March 2026

અમદાવાદના વસ્ત્રાપુરમાં 'બુદ્ધા સ્પા' પર પોલીસ ત્રાટકી: મસાજની આડમાં ચાલતા હાઈ-પ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ, પરપ્રાંતની ત્રણ લલનાઓ મુક્ત

હિમાલયા મોલના બીજા માળે ડમી ગ્રાહક મોકલી મહિલા પોલીસે ખેલ્યો 'માસ્ટર સ્ટ્રોક'; દિલ્હી અને નોર્થ-ઈસ્ટની યુવતીઓ પાસે કરાવાતો દેહવ્યાપાર, સ્પા માલિક ફરાર

અમદાવાદ: મેટ્રો સિટી અમદાવાદમાં સ્પા સેન્ટરોની આડમાં ચાલતા અનૈતિક કામો પર પોલીસે ફરી એકવાર લાલ આંખ કરી છે. શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા જાણીતા હિમાલયા મોલમાં 'બુદ્ધા સ્પા'ના નામે ચાલતા કુટણખાના પર પશ્ચિમ મહિલા પોલીસની ટીમે દરોડો પાડી દેહવ્યાપારના ગોરખધંધાનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે દિલ્હી અને નોર્થ-ઈસ્ટની ત્રણ યુવતીઓને મુક્ત કરાવી મેનેજરની ધરપકડ કરી છે.
ડમી ગ્રાહક જોઈને મેનેજર લલચાયો અને પોલીસ ત્રાટકી
અમદાવાદ પશ્ચિમ મહિલા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે વસ્ત્રાપુરના હિમાલયા મોલના બીજા માળે આવેલા 'બુદ્ધા સ્પા'માં મસાજના બહાને ગ્રાહકોને શરીર સુખની લાલચ આપવામાં આવે છે. બાતમીની ખરાઈ કરવા માટે પોલીસે એક ડમી ગ્રાહક તૈયાર કરીને સ્પામાં મોકલ્યો હતો. જેવો મેનેજરે ડમી ગ્રાહક સાથે યુવતીઓ માટેનો સોદો નક્કી કર્યો, કે તરત જ બહાર ઉભેલી પોલીસની ટીમ ત્રાટકી હતી. પોલીસને અંદરથી મિઝોરમ, દિલ્હી અને ત્રિપુરાની ત્રણ યુવતીઓ મળી આવી હતી.
બહારના રાજ્યોમાંથી યુવતીઓ બોલાવી ખેલાતો ખેલ
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ સ્પાનો અસલી માલિક ઈર્શાદ સૈયદ (રહે. લાલદરવાજા) છે. તે મિઝોરમ અને દિલ્હી જેવા રાજ્યોમાંથી ગરીબ યુવતીઓને કામ અપાવવાની લાલચ આપી બોલાવતો હતો અને પછી અહીં દેહવ્યાપારમાં ધકેલી દેતો હતો. ગ્રાહક દીઠ યુવતીઓને એક હજાર રૂપિયા ચૂકવવામાં આવતા હોવાનું પણ ખુલ્યું છે. પોલીસે સ્થળ પરથી સ્પાના મેનેજર સન્ની સંતોષની અટકાયત કરી છે, જ્યારે માલિક ઈર્શાદ સૈયદ પોલીસને જોઈને ફરાર થઈ ગયો હતો.
CCTV અને DVR કબજે, માલિકની શોધખોળ તેજ
પોલીસે સ્પા સેન્ટરમાંથી સીસીટીવી ફૂટેજ મેળવવા માટે ડીવીઆર અને અન્ય ઈલેક્ટ્રોનિક પુરાવા કબજે કર્યા છે. આ સ્પામાં કયા મોટા ગજાના લોકો આવતા હતા તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. મુક્ત કરાવેલી યુવતીઓને હાલ કાઉન્સેલિંગ માટે મોકલી દેવાઈ છે. વસ્ત્રાપુર જેવા ગીચ અને વ્યસ્ત વિસ્તારમાં મોલની અંદર ચાલતા આ રેકેટે આસપાસના રહીશો અને વેપારીઓમાં પણ ચકચાર મચાવી દીધી છે.

(7:31 PM IST)