News of Saturday, 21st March 2026
દિલ્હીમાં છુપાયેલા બળાત્કારના ગુનાના વોન્ટેડ આરોપી પંકજ ભભૂતી પાંડેને સુરત જિલ્લા એલસીબીએ ઝડપી પાડ્યો : ચાર વર્ષથી પોલીસને આપતો હતો હાથતાળી
પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ અને પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાની સૂચનાથી પીઆઈ આર.બી. ભટોળ અને એમ.આર. શકોરીયાની ટીમે આદરેલી ખાસ ડ્રાઈવમાં પલસાણા પોલીસ સ્ટેશનના પોક્સો એક્ટના ગુનામાં સંડોવાયેલા શખ્સને દબોચી લેવાયો

રાજકોટ:સુરત ગ્રામ્ય જિલ્લામાં નાસતા-ફરતા અને વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ પ્રશાસન દ્વારા તાજેતરમાં એક ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ અંતર્ગત સુરત જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને પેરોલ ફર્લો સ્ક્વોડને મોટી સફળતા મળી છે. પલસાણા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૨માં નોંધાયેલા બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળના ગંભીર ગુનામાં છેલ્લા ચાર વર્ષથી ફરાર આરોપી પંકજ ભભૂતી પાંડેને નવી દિલ્હીથી ઝડપી લેવામાં આવ્યો છે.
પોલીસની ખાસ ડ્રાઈવ અને ઓપરેશન:
સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ અને સુરત ગ્રામ્યના પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા દ્વારા તા. ૧૪/૦૩/૨૦૨૬ થી તા. ૨૦/૦૩/૨૦૨૬ દરમિયાન વોન્ટેડ આરોપીઓને પકડવા માટે સાત દિવસની ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ આર.બી. ભટોળ અને પેરોલ ફર્લો સ્ક્વોડના પીઆઈ એમ.આર. શકોરીયાએ અલગ-અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા તપાસ હાથ ધરી હતી.
દિલ્હીમાં સફળ ટ્રેપ:
તપાસ દરમિયાન એએસઆઈ શૈલેષભાઈ માનસીંગભાઈ, આઈ.હે.કો. જગદિશભાઇ આબાજીભાઇ અને અ.હે.કો. પ્રહલાદસિંહ ભુપતસિંહને બાતમી મળી હતી કે બળાત્કારના ગુનાનો આરોપી પંકજ પાંડે નવી દિલ્હીના માંડવાલી મેટ્રો સ્ટેશન પાસે આવેલી વિનોદનગર સોસાયટીમાં છુપાયેલો છે. આ ટીમે તાત્કાલિક દિલ્હી જઈને ૩૨ વર્ષીય પંકજ પાંડે (મૂળ રહે. ગૌંડા, યુપી) ને દબોચી લીધો હતો. પ્રાથમિક પૂછપરછમાં તેણે પલસાણા પોલીસ સ્ટેશનના વર્ષ ૨૦૨૨ના બળાત્કારના ગુનામાં પોતે વોન્ટેડ હોવાની કબૂલાત કરી હતી.
કાબિલેદાદ ટીમવર્ક:
આ કામગીરીમાં સુરત જિલ્લા પોલીસના એએસઆઈ શૈલેષભાઈ માનસીંગભાઈ, એએસઆઈ રોહિતભાઇ બાબુભાઇ, આઈ.હે.કો. જગદિશભાઇ આબાજીભાઇ, અ.હે.કો. પ્રહલાદસિંહ ભુપતસિંહ અને આ.પો.કો. દિપકભાઈ અનિલભાઈએ પ્રશંસનીય ટીમવર્ક બતાવ્યું હતું. હાલમાં આરોપીને પલસાણા પોલીસ સ્ટેશન સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(8:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
