News of Saturday, 21st March 2026
અમદાવાદમાં 'ઓડિશા પર્વ'નો ભવ્ય પ્રારંભ : હર્ષભાઈ સંઘવી અને પ્રવતી પરિદાની ઉપસ્થિતિમાં ગુજરાત અને ઓડિશાના સાંસ્કૃતિક સેતુનું ઉદ્ઘાટન
દ્વારકાધીશ અને જગન્નાથજીની ભક્તિના અતૂટ તાંતણે બંધાયેલા બંને રાજ્યોના સંબંધો વધુ ગાઢ બનશે : ગુજરાત યુનિવર્સિટી ખાતે ત્રિદિવસીય પ્રદર્શનમાં ઓડિશાની જીવંત પરંપરાઓ, હસ્તકલા અને ઉત્કૃષ્ટ ભોજનનો લ્હાવો લેવા હર્ષભાઈ સંઘવીનો અનુરોધ

અમદાવાદ:ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદમાં ઓડિશાની સમૃદ્ધ સંસ્કૃતિ અને વિરાસતને પ્રસ્તુત કરતા ‘ઓડિશા પર્વ’નો મંગલ પ્રારંભ થયો છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને ઓડિશાના નાયબ મુખ્યમંત્રી પ્રવતી પરિદાની ગરિમામય ઉપસ્થિતિમાં ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે આ ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. ઓડિશા પ્રવાસન વિભાગ અને ફિક્કી (FICCI)ના સહયોગથી આયોજિત આ ત્રિદિવસીય કાર્યક્રમ દ્વારા અમદાવાદના આંગણે ઓડિશાના ‘લિવિંગ ટ્રેડિશન્સ’નો અનુભવ કરાવવામાં આવી રહ્યો છે.
ભક્તિ અને કર્મના અતૂટ સંબંધો:
કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતા હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાત અને ઓડિશા વચ્ચેનો સંબંધ માત્ર ભૌગોલિક નથી, પરંતુ તે ભક્તિ અને કર્મના પવિત્ર તાંતણે બંધાયેલો છે. તેમણે ઉમેર્યું કે, જેમ ગુજરાત પર ભગવાન દ્વારકાધીશની અસીમ કૃપા છે, તેમ ઓડિશા પર મહાપ્રભુ જગન્નાથજીના આશીર્વાદ છે. આ બંને પવિત્ર ધામો કરોડો શ્રદ્ધાળુઓની અતૂટ આસ્થાના કેન્દ્રો છે. તેમણે સુરતમાં વસતા હજારો ઓડિશાવાસીઓના યોગદાનને બિરદાવતા કહ્યું કે, ટેક્સટાઈલ ઉદ્યોગમાં ઓડિશાના યુવાનોએ પથ્થરને હીરા જેવી ચમક આપીને ગુજરાતના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે.
પ્રવાસન અને સાંસ્કૃતિક ભાગીદારી
ઓડિશાની પ્રવાસન ક્ષેત્રની: પ્રગતિની પ્રશંસા કરતા હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ઓડિશાએ પ્રવાસન ક્ષેત્રે જે પરિવર્તનો લાવ્યા છે તે એક સફળ મોડલ છે. આ પર્વ નિમિત્તે પ્રવાસન ક્ષેત્રના હિતધારકો અને ઉદ્યોગજગતના અગ્રણીઓ વચ્ચે ‘B2B’ (Business to Business) અને ‘G2B’ (Government to Business) જેવી સંવાદ બેઠકોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેથી બંને રાજ્યો વચ્ચે આર્થિક અને સાંસ્કૃતિક ભાગીદારી વધુ મજબૂત બની શકે.
વિવિધ આકર્ષણો અને પ્રદર્શનો:
આ પ્રદર્શનમાં ઓડિશાની કલા સંસ્કૃતિ, જગવિખ્યાત રસગુલ્લા, હસ્તકલા અને પ્રવાસન સ્થળોના નિદર્શન માટે વિવિધ સ્ટોલ્સ ઉભા કરવામાં આવ્યા છે. મુલાકાતીઓને કોણાર્ક મંદિર, ઓડિસી નૃત્ય, મેલાનિસ્ટિક ટાઈગર અને પુરીના બ્લૂ ફ્લેગ બીચ જેવી વિશેષતાઓથી પરિચિત કરાવવામાં આવશે. હર્ષભાઈ સંઘવીએ ખાસ કરીને યુવાનો અને પરિવારોને આ પર્વની મુલાકાત લઈ કલાકારોના કૌશલ્યને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી.
આ પ્રસંગે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીભાઈ, ઓડિશા સરકારના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં કલાપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પર્વ આગામી ત્રણ દિવસ સુધી ચાલશે, જે બંને રાજ્યો વચ્ચેના સાંસ્કૃતિક જોડાણને નવી ઊંચાઈ આપશે.
(8:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
