News of Sunday, 22nd March 2026
દાહોદમાં તબીબી જગત સ્તબ્ધ: બે દિવસથી ગુમ ૨૫ વર્ષીય યુવા ડોક્ટરનો ગરનાળામાંથી મળ્યો મૃતદેહ, હાથની નસો કાપી જીવન ટૂંકાવતા ચકચાર
કાળી તળાઈ નજીક ડો. ભાર્ગવ રોઝનો લોહીલુહાણ હાલતમાં મળ્યો દેહ; હોસ્પિટલના એપ્રન પાછળ છુપાયેલું દર્દ આપઘાતમાં પલટાયું, આત્મહત્યા પાછળનું કારણ અકબંધ રહેતા પોલીસ દ્વારા સઘન તપાસનો ધમધમાટ

દાહોદ: દાહોદ શહેરમાંથી એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક આશાસ્પદ યુવા ડોક્ટરે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ૨૫ વર્ષીય ડો. ભાર્ગવ ઉમેશભાઈ રોઝ, જેઓ છેલ્લા બે દિવસથી પોતાના ઘરેથી રહસ્યમય રીતે ગુમ હતા, તેમનો મૃતદેહ આજે સવારે કાળી તળાઈ વિસ્તારમાં આવેલા એક ગરનાળામાંથી મળી આવતા તબીબી આલમમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ગરનાળામાં મળ્યો લોહીલુહાણ મૃતદેહ
ઘટનાની વિગત મુજબ, ડો. ભાર્ગવ રોઝ ગત બે દિવસથી ગુમ થયા બાદ પરિવારજનો તેમની શોધખોળ કરી રહ્યા હતા, પરંતુ તેમનો કોઈ પતો લાગ્યો નહોતો. આજે સવારે જ્યારે સ્થાનિક લોકો કાળી તળાઈ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ગરનાળામાં એક યુવકનો મૃતદેહ જોઈને તેઓ ચોંકી ઉઠ્યા હતા. તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી, જેમાં મૃતદેહની ઓળખ ગુમ થયેલા ડો. ભાર્ગવ તરીકે થઈ હતી.
હાથની નસો કાપી જીવન લીલા સંકેલી
પ્રાથમિક તપાસ અને ઘટનાસ્થળના દ્રશ્યો પરથી એવી પ્રબળ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ડોક્ટરે પોતાના હાથની નસો કાપીને આત્મહત્યા કરી છે. શરીર પરથી વધુ પડતું લોહી વહી જવાને કારણે તેમનું મોત નિપજ્યું હોવાનું અનુમાન છે. એક ડોક્ટર જે લોકોના જીવ બચાવવા માટે સજ્જ હોય છે, તેમણે જ આ પ્રકારે કઠોર પગલું ભરીને મોતને વહાલું કરતા અનેક સવાલો ઉભા થયા છે.
આત્મહત્યાનું કારણ હજુ પણ રહસ્ય
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, આટલા નાની ઉંમરના અને સફળ કારકિર્દી ધરાવતા ડોક્ટરે આત્મહત્યા જેવું અંતિમ પગલું શા માટે ભર્યું? શું તેઓ કોઈ માનસિક તણાવમાં હતા કે પછી કોઈ અંગત કારણ જવાબદાર છે? આ તમામ પ્રશ્નોના જવાબ મેળવવા માટે પોલીસે પરિવારજનો અને મિત્રોની પૂછપરછ શરૂ કરી છે. દાહોદના તબીબો અને નાગરિકો આ હોનહાર યુવાનના નિધનથી અત્યંત દુઃખી છે.
(12:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
