News of Saturday, 21st March 2026
પાટણમાં સરકારી જમીન પરના દબાણ પર ફરી વળ્યું તંત્રનું 'બુલડોઝર': ઝીલિયા ફાર્મ હાઉસના આલીશાન બાંધકામો જમીનદોસ્ત, ગૌચરની જમીન ખાલી કરાવવા મેગા ઓપરેશન
જાગૃત નાગરિકની ફરિયાદ બાદ કલેક્ટરની લાલ આંખ; મામલતદાર અને ટીડીઓની હાજરીમાં ભાવેશ રબારીનું ગેરકાયદે ફાર્મ હાઉસ તોડી પડાયું, આગામી ૭ દિવસમાં તમામ દબાણો દૂર કરવા તંત્રનું અલ્ટીમેટમ

પાટણ: પાટણ જિલ્લાના ઝીલિયા ગામે ગૌચરની કિંમતી જમીન પચાવી પાડીને ઉભા કરવામાં આવેલા આલીશાન ફાર્મ હાઉસ પર આજે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. છેલ્લા ઘણા સમયથી વિવાદમાં રહેલા આ ફાર્મ હાઉસમાં મકાન સિવાયની તમામ ગેરકાયદે જગ્યાઓને વહીવટી તંત્ર દ્વારા તોડી પાડવામાં આવી છે. પોલીસ પર થયેલા હુમલાની તાજેતરની ઘટના બાદ તંત્રએ આક્રમક વલણ અપનાવીને ગેરકાયદે બાંધકામોને નેસ્તનાબૂદ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.
અરજી બાદ તપાસનો ધમધમાટ અને એક્શન
આ સમગ્ર કાર્યવાહીના મૂળમાં વર્ષ ૨૦૨૫માં કરવામાં આવેલી એક લેખિત ફરિયાદ છે. ૪ નવેમ્બર ૨૦૨૫ના રોજ મનીષ રાઠોડ નામના જાગૃત નાગરિકે પાટણ કલેક્ટરને રજૂઆત કરી હતી કે, ઝીલિયા ગામના સર્વે નંબર ૧૬૬ વાળી ગૌચરની જમીન પર ભાવેશ રબારી દ્વારા ગેરકાયદેસર દબાણ કરીને ફાર્મ હાઉસ અને રહેણાંક મકાન બનાવી દેવામાં આવ્યું છે. આ ફરિયાદ બાદ વહીવટી તપાસ તેજ બની હતી અને આજે અધિક કલેક્ટર, મામલતદાર તથા ટીડીઓની સીધી દેખરેખ હેઠળ આ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
૭ દિવસમાં સંપૂર્ણ સફાયાનો લક્ષ્યાંક
તંત્ર દ્વારા લેવામાં આવેલા આ કડક પગલાં અંતર્ગત ફાર્મ હાઉસના શેડ અને અન્ય ગૌણ બાંધકામોને તોડી પાડવામાં આવ્યા છે. વહીવટી તંત્રએ સ્પષ્ટ લક્ષ્યાંક રાખ્યો છે કે આગામી ૭ દિવસની અંદર આ સરકારી જમીન પર રહેલા મકાન અને શેડ સહિતના તમામ બાંધકામોને સંપૂર્ણપણે દૂર કરી દેવામાં આવશે. આ મેગા ઓપરેશનને પગલે પંથકના અન્ય ભૂમાફિયાઓ અને દબાણકર્તાઓમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે.
(11:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
