<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st March 2026

બોટાદમાં મોતનો ધડાકો: બરવાળાની ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટથી ધરા ધ્રૂજી, શ્રમિકના શરીરના લોચા ખેતરોમાં ઉડ્યા

બેલા-ટીંબલા વચ્ચે આવેલી ગેરકાયદે હોવાની આશંકા ધરાવતી ફેક્ટરીમાં દારૂગોળો ફાટતા સર્જાઈ ભીષણ તારાજી: માલિક સહિત ત્રણ ગંભીર રીતે દાઝ્યા, 100 મીટર સુધી ફંગોળાયા પતરા અને માનવ અંગો

બરવાળા: બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આજે બપોરે એક ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટે સમગ્ર પંથકને ધ્રુજાવી દીધો છે. બેલા અને ટીંબલા ગામની સીમમાં આવેલી આ ફેક્ટરીના એક યુનિટમાં અચાનક આગ લાગ્યા બાદ દારૂગોળાના જથ્થામાં એટલો ભયાનક બ્લાસ્ટ થયો હતો કે આસપાસના પાંચ કિલોમીટર સુધી તેનો અવાજ સંભળાયો હતો. આ કાળજું કંપાવનારી દુર્ઘટનામાં એક શ્રમિકનું ઘટનાસ્થળે જ અત્યંત કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. વિસ્ફોટની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે મૃતક શ્રમિકના શરીરના અંગોના ટુકડા થઈને 100 મીટર દૂર ખેતરોમાં જઈને પડ્યા હતા, જે દ્રશ્યો જોઈને બચાવ કામગીરીમાં જોડાયેલા લોકો પણ હચમચી ગયા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર, વાડી વિસ્તારમાં આવેલી આ ફેક્ટરીમાં જ્યારે મજૂરો ફટાકડા બનાવવાની કામગીરી કરી રહ્યા હતા, ત્યારે રો-મટીરિયલ અને દારૂગોળો ભરેલા રૂમમાં શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ અજ્ઞાત કારણોસર આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આખું યુનિટ હવામાં ફંગોળાયું હતું. ફેક્ટરીના છાપરાના પતરા અને લોખંડના એન્ગલો કાગળની જેમ હવામાં ઉડીને દૂર સુધી પડ્યા હતા. આ અકસ્માતમાં ફેક્ટરીના માલિક અને અન્ય બે મજૂરો પણ ગંભીર રીતે દાઝી ગયા છે. ઈજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં 108 મારફતે બોટાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત અત્યંત નાજુક હોવાનું તબીબો જણાવી રહ્યા છે.

ઘટનાની જાણ થતા જ બરવાળા પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ટીમો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી ફેક્ટરીમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો જેથી વધુ વિસ્ફોટો થતા અટકાવી શકાયા હતા. પ્રાથમિક તપાસમાં ફેક્ટરીમાં સુરક્ષાના સાધનોનો સંપૂર્ણ અભાવ હોવાનું અને પેકિંગ તેમજ મેન્યુફેક્ચરિંગમાં નિયમોનું ઉલ્લંઘન થયું હોવાની વિગતો સપાટી પર આવી રહી છે. વિસ્ફોટ બાદ આકાશમાં ધુમાડાના કાળા ગોટેગોટા ઉડતા જોઈ આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને બચાવ કામગીરીમાં મદદ કરી હતી.

હાલમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એફએસએલ (FSL) ની ટીમને પણ બોલાવવામાં આવી છે જેથી આગ લાગવાનું સચોટ કારણ અને વિસ્ફોટમાં કયા પ્રકારના કેમિકલનો ઉપયોગ થયો હતો તેની વૈજ્ઞાનિક તપાસ થઈ શકે. આ ઘટનાએ ફરી એકવાર ફટાકડાના જોખમી એકમોમાં સુરક્ષા અને લાયસન્સના નિયમો પર સવાલો ઉભા કર્યા છે. બોટાદ જિલ્લા કલેક્ટર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ આ મામલે કડક તપાસના આદેશ આપ્યા છે. સમગ્ર બરવાળા પંથકમાં આ કરુણ દુર્ઘટનાને પગલે ભારે અરેરાટી અને શોકની લાગણી વ્યાપી ગઈ છે.

(11:28 PM IST)