News of Sunday, 22nd March 2026
સુરતના કામરેજમાં સત્યમ આશ્રમના ભોંયરામાં 'પાપનું સામ્રાજ્ય': નકલી નોટો છાપવાનું રેકેટ ઝડપાતા સનસનાટી, આક્રોશિત ગ્રામજનોની આશ્રમ પર 'બુલડોઝર' ફેરવવાની ઉગ્ર માંગ
રાત્રિના અંધકારમાં યુવતીઓની શંકાસ્પદ અવરજવર અને અનૈતિક પ્રવૃત્તિઓના સરપંચે લગાવ્યા ગંભીર આક્ષેપ; પંચાયતની નોટિસો ઘોળીને પી જનારા સંચાલકો સામે હવે આરપારની લડાઈ, આવતીકાલે હજારો લોકો કરશે આશ્રમ પર હલ્લાબોલ

સુરત: ડાયમંડ સિટી સુરતના કામરેજ તાલુકાનું ધોરણપારડી ગામ અત્યારે ભારે ચર્ચામાં છે. ભક્તિ અને આસ્થાના કેન્દ્ર સમાન ગણાતા 'સત્યમ આશ્રમ'ના ભોંયરામાં નકલી નોટો છાપવાનું મસમોટું કૌભાંડ ચાલી રહ્યું હોવાનો પર્દાફાશ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આશ્રમની આડમાં ચાલતા આ કાળા કારોબારને પગલે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. પોલીસની તપાસમાં આશ્રમના તાર અનેક શંકાસ્પદ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોવાનું સામે આવતા હવે લોકોનો સંયમ ખૂટ્યો છે.
યુવતીઓની અવરજવર અને અનૈતિક કામોનો પર્દાફાશ
ગામના સરપંચે આ મામલે સ્ફોટક ખુલાસો કરતા જણાવ્યું છે કે, આશ્રમમાં માત્ર નકલી નોટો જ નહીં પરંતુ અનેક અનૈતિક કામો થતા હોવાની આશંકા છે. રાત્રિના ૨-૩ વાગ્યા સુધી આશ્રમમાં યુવતીઓની શંકાસ્પદ અવરજવર જોવા મળતી હતી, જે કોઈ પણ આશ્રમની મર્યાદાની વિરુદ્ધ છે. ગ્રામ પંચાયત દ્વારા અગાઉ અનેકવાર નોટિસો આપીને ખુલાસા માંગવામાં આવ્યા હતા, પરંતુ સત્તાના નશામાં ચૂર આશ્રમ સંચાલકોએ ક્યારેય સંતોષકારક જવાબ આપવાની તસ્દી લીધી નહોતી.
'દાદાનું બુલડોઝર' ફેરવવાની બુલંદ માંગ
આશ્રમના પાપે ગામની ગરિમાને ઠેસ પહોંચતા હવે ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા છે. સ્થાનિકોમાં એટલો રોષ છે કે તેઓ હવે આ આશ્રમને નેસ્તનાબૂદ જોવા માંગે છે. લોકોની સ્પષ્ટ માંગ છે કે ઉત્તર પ્રદેશની જેમ અહીં પણ ગુનેગારોના અડ્ડા સમાન આ આશ્રમ પર 'બુલડોઝર' ફેરવી દેવામાં આવે. પોતાની આ માંગણીઓને લઈને આવતીકાલે મોટી સંખ્યામાં ગ્રામજનો આશ્રમ પર હલ્લાબોલ કરવાના છે, જેને પગલે સમગ્ર વિસ્તારમાં તણાવભરી શાંતિ જોવા મળી રહી છે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને તપાસનો ધમધમાટ
આવતીકાલે થનારા હલ્લાબોલને ધ્યાને રાખીને સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા અત્યારથી જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ આ નકલી નોટ કાંડના મૂળ સુધી પહોંચવા માટે આશ્રમના ભોંયરા અને દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરી રહી છે. આ રેકેટમાં અન્ય કેટલા મોટા માથા સામેલ છે અને નકલી નોટોનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તે દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે.
(12:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
