<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd March 2026

ઘરે કે કુટુંબમાં કેટલા ડસ્ટબીન (વડીલો)છે એ પૂછે છે સહકુટુંબમાં અને ગામડે દીકરી દેવી નથી એ ચિંતાજનક છે, ચિંતન કરજો, નહીં તો પ્રાણીઓ જેવી સ્થિતિ બનશે : પ્રિ વેડિંગનો રિવાજ અડખે પડખેથી આપણામાં આવ્યો : પરષોત્તમભાઈ રૂપાલા

રાજકોટના ઇશ્વરીયા ગામે કડવા પાટીદારોનું મહાસંમેલન યોજાયું : રૂ.125 કરોડના ખર્ચે જીવન વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલનું ખાતમુહૂર્ત : કયા કયા સામાજિક સુધારાઓની જરૂર છે તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી

રાજકોટ તા.૨૨ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ઉમિયાધામ દ્વારા રાજકોટના ઇશ્વરીયા ગામે આજે 22 માર્ચના કડવા પાટીદારોનું મહાસંમેલન યોજાયું છે. અહીં રૂ.125 કરોડના ખર્ચે જીવન વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

રાજકોટમાં આયોજિત કડવા પાટીદાર સંમેલન દરમિયાન પરષોત્તમભાઈ રૂપાલાએ સામાજિક મૂલ્યો અને કૌટુંબિક માળખા પર ગંભીર ટકોર કરતા જણાવ્યું હતું કે, ઘરે કે કુટુંબમાં કેટલા ડસ્ટબીન (વડીલો)છે એ પૂછે છે. સહકુટુંબમાં અને ગામડે દીકરી દેવી નથી એ ચિંતાજનક છે, ચિંતન કરજો, નહીં તો પ્રાણીઓ જેવી સ્થિતિ બનશે.

'પ્રિ વેડિંગનો અડખે પડખેથી આપણામાં આવ્યો' પરસોતમ રૂપાલાએ જણાવ્યું હતું કે, લગ્નમાં પહેલા પ્રિ વેડિંગનો રિવાજ નહોતો. સિદસર ઉમિયાધામ નક્કી કરે તે એક તારીખે જ લગ્ન થાય તેવી પરંપરા હતી. પ્રિવેડિંગ આપણી જરૂરિયાત નહોતી, રિવાજ અડખે પડખેથી આપણામાં આવ્યો છે. પહેલા લગ્નનો જેટલો ખર્ચ થતો તેટલો ખર્ચ આજે માત્ર આલ્બમ પાછળ થાય છે. લગ્નના ગીતો મહિલાઓ ગાતી હવે બધું ભાડે આપી દીધું છે. કડવા પાટીદાર સમાજમાં બંધારણની જરૂર છે.

'ગંભીરતા પૂર્વક ચિંતન કરજો, નહીં તો પ્રાણીઓ જેવી સ્થિતિ થશે' રૂપાલાએ જણાવ્યું હતું કે, ઘરે કે કુટુંબમાં કેટલા ડસ્ટબીન (વડીલો) કેટલા છે એ પૂછે છે. અને સહકુટુંબમાં દીકરી દેવી નથી , ગામડે દેવી નથી આ બધું ચિંતા જનક છે. આપણે મૂળ ગામડાના છીયે અને ગામડાથી જ વાંધો!,આપણે ઓરીજીનલ ગામડાની જ આઇટમ છીએ. ખૂબ ગંભીરતા પૂર્વક ચિંતન કરજો, નહીં તો પ્રાણીઓ જેવી સ્થિતિ બનશે.

'માતા કંઈ કહે તો દીકરી સુસાઇડ કરી લે છે' રૂપાલાએ કહ્યું, આ એવો કાળ છે કે જેમાં તમે તમારું કુટુંબ બચાવી લો તો સમજો દેશ બચી ગયો. દરેક કુટુંબમાં ઘર સભા થવી જોઈએ. સામાજિક વિભાજન અને વિઘટનને કારણે સહન શક્તિ ખૂંટી છે. માતા કંઈ કહે તો દીકરી સુસાઇડ કરી લે છે. શોપિંગમાં ન જવા દેવાને લીધે ડાયવોર્સ થયાના કિસ્સાઓ છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે પાટીદારોનું સામાજિક સંમેલન જેમાં મુખ્ય વક્તા તરીકે ભાજપના લોકસભાના સાંસદ પરસોતમભાઈ રૂપાલા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતાં. આ તકે ઉમિયાધામના ટ્રસ્ટી જેરામભાઈ વાંસજાળીયા, કડવા પાટીદાર સમાજના મૌલેશ ઉકાણી, જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, નિલેશભાઈ ધૂલેશિયા, ચીમનભાઈ સાપરિયા સહિતના આગેવાનો જોડાયા હતાં.

રાજકોટના ઇશ્વરીયા ગામમાં શૈક્ષણિક સંકુલના ખાતમુહૂર્ત પ્રસંગે પરંપરા અને પરિવર્તન વિષય પર સામાજિક સંમેલન યોજાયુ હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે પરસોતમભાઈ રૂપાલા ઉપસ્થિત રહ્યા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે સિદસર ઉમિયાધામ દ્વારા રાજકોટના ઇશ્વરીયામાં સામાજિક સંમેલન યોજાયુ હતું. જેમાં કયા કયા સામાજિક સુધારાઓની જરૂર છે તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

(1:44 PM IST)