<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd March 2026

સુરતના ગોડાદરામાં માત્ર ₹1000 માટે પોલીસની સમયસૂચકતા અને ફિલ્મી સ્ટાઈલ ઓપરેશનને કારણે એક મોટી લોહિયાળ ઘટના બનતા અટકી : ફિલ્મી ઢબે પીછો કરીને પોલીસે 7 હથિયારધારીઓને દબોચ્યા

પોલીસે જીવના જોખમે આરોપીઓના બાઈકનો પીછો કર્યો એક તબક્કે બાઈક સ્લીપ ખાતા પોલીસકર્મીઓ આરોપીઓ પર તૂટી પડ્યા હતા : હિંમતની પરાકાષ્ઠા તો ત્યારે જોવા મળી જ્યારે એક પોલીસકર્મી ચાલુ બાઈકે આરોપીની બોંચી પકડીને તેના ખભા પર ચડી ગયા હતા અને તેને નીચે પાડી દબોચી લીધો

સુરત તા.૨૨ સુરતના ગોડાદરા વિસ્તારમાં માત્ર એક હજાર રૂપિયાની ઉઘરાણી જેવી સામાન્ય બાબતમાં એક યુવકની હત્યા કરવાનું કાવતરું ઘડાયું હતું. જોકે, સુરત પોલીસની સમયસૂચકતા અને ફિલ્મી સ્ટાઈલ ઓપરેશનને કારણે એક મોટી લોહિયાળ ઘટના બનતા અટકી ગઈ છે. ઘાતક હથિયારો સાથે હત્યાના ઈરાદે ફરી રહેલી આખી ગેંગને પોલીસે રસ્તા પર દોડાવીને પકડી પાડી હતી, જેની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

 

માત્ર ₹1000ની માથાકૂટમાં ખેલાયો ખૂની ખેલ

આ ઘટનાની વિગત એવી છે કે, મુખ્ય આરોપી કનૈયા વિશ્વકર્માએ સચિન ચૌધરી નામના યુવકને એક હજાર રૂપિયા ઉછીના આપ્યા હતા. સચિને આ રૂપિયા પરત ન કરતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને માથાકૂટ થઈ હતી. આ સામાન્ય રકમના વિવાદમાં કનૈયા એટલો ઉશ્કેરાઈ ગયો હતો કે તેણે સચિનની હત્યા કરવાનું નક્કી કરી લીધું. કનૈયાએ તાત્કાલિક પોતાના સાગરીતોને ફોન કરીને ઘાતક હથિયારો સાથે ગોડાદરા વિસ્તારમાં બોલાવી લીધા હતા.

 

પોલીસનું હિંમતભર્યું 'ફિલ્મી' ઓપરેશન

જ્યારે આ હથિયારધારી શખ્સો સચિનની શોધમાં નીકળ્યા હતા, ત્યારે ગોડાદરા પોલીસને આ અંગે બાતમી મળી હતી. પોલીસની ટીમ સક્રિય થઈ અને આરોપીઓનો પીછો શરૂ કર્યો હતો. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, પોલીસે જીવના જોખમે આરોપીઓના બાઈકનો પીછો કર્યો હતો. એક તબક્કે બાઈક સ્લીપ ખાતા પોલીસકર્મીઓ આરોપીઓ પર તૂટી પડ્યા હતા. હિંમતની પરાકાષ્ઠા તો ત્યારે જોવા મળી જ્યારે એક પોલીસકર્મી ચાલુ બાઈકે આરોપીની બોંચી પકડીને તેના ખભા પર ચડી ગયા હતા અને તેને નીચે પાડી દબોચી લીધો હતો.

 

ઝડપાયેલા આરોપીઓ અને જપ્ત હથિયારો

પોલીસે આ ઓપરેશનમાં કુલ સાત શખ્સોની ધરપકડ કરી છે, જેમાં એક સગીર વયના કિશોરનો પણ સમાવેશ થાય છે. પકડાયેલા આરોપીઓના નામ નીચે મુજબ છે:

મનીષ ગુપ્તા

પ્રિયેશ દુબે

દીપક યાદવ

અમિત યાદવ

પ્રકાશ સોની

અભિષેક યાદવ

પોલીસે આ તમામ પાસેથી તીક્ષ્ણ અને ઘાતક હથિયારો કબજે કર્યા છે. જોકે, આ આખી ઘટનાનો મુખ્ય સૂત્રધાર કનૈયા વિશ્વકર્મા હજુ પણ પોલીસ પકડથી દૂર એટલે કે ફરાર છે, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

 

મોટી જાનહાનિ ટળી

સુરત પોલીસની આ સતર્કતાને કારણે ગોડાદરામાં એક યુવકની હત્યા થતી અટકી છે અને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહી છે. ધોળા દિવસે હથિયારો સાથે ફરતા આ ગુંડાતત્વોમાં પોલીસનો જે રીતે ખૌફ જોવા મળ્યો, તેનાથી સ્થાનિક લોકોમાં પણ પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધ્યો છે. હાલ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(1:53 PM IST)