<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd March 2026

ગુજરાતી વેપારીની સ્કોર્પિયો, ૧ કરોડની રોકડ અને ખાખીનો 'ખેલ': મધ્યપ્રદેશના ગુનામાં પોલીસ અને હવાલા વચ્ચે ૨૦ લાખનો સનસનીખેજ સોદો

નેશનલ હાઈવે ૪૬ પર રૂથિયાઈ ચોકી પાસે રાત્રિના અંધકારમાં ખેલાયો ભ્રષ્ટાચારનો ખેલ: ૨૦ લાખની લાંચ લઈ ૮૦ લાખ સાથે વેપારીને રવાના કર્યો, DIGની એન્ટ્રી થતા જ સ્ટેશન ઇન્ચાર્જ સહિત ચાર પોલીસકર્મીઓ સસ્પેન્ડ

અમદાવાદઃ મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં ગુજરાતના એક ઉદ્યોગપતિ અને સ્થાનિક પોલીસ વચ્ચે થયેલા કરોડો રૂપિયાના 'સેટિંગ'ના સમાચારે સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચાવી દીધો છે. ધરણાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી રૂથિયાઈ પોલીસ ચોકી પાસે વાહન ચેકિંગ દરમિયાન ગુજરાત પાસિંગની (GJ 05 RK 9351) એક સ્કોર્પિયો ગાડીને આંતરવામાં આવી હતી. તલાશી લેતા પોલીસને આ વાહનમાંથી અંદાજે ૧ કરોડ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. જોકે, આટલી મોટી રકમ જપ્ત કર્યા બાદ આવકવેરા વિભાગ કે ઉચ્ચ અધિકારીઓને જાણ કરવાને બદલે, ઘટનાસ્થળે હાજર પોલીસ ટુકડીએ કાયદાને નેવે મૂકીને વેપારી સાથે સીધો સોદો પાર પાડ્યો હતો.

સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, પોલીસ અને જીરાના વેપારી વચ્ચે ૨૦ લાખ રૂપિયામાં મામલો થાળે પાડવાનો નિર્ણય લેવાયો હતો. ભ્રષ્ટ પોલીસકર્મીઓએ ૧ કરોડમાંથી ૨૦ લાખ રૂપિયા લાંચ પેટે પોતાની પાસે રાખ્યા અને બાકીના ૮૦ લાખ રૂપિયા સાથે વેપારીને સહીસલામત જવા દીધો હતો. આ ઘટના ગુરુવાર અને શુક્રવારની મધ્યરાત્રિએ ઘટી હતી, પરંતુ જ્યારે આ વાતની ગંધ ઉચ્ચ અધિકારીઓને આવી ત્યારે મામલો બિચક્યો હતો. એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે ગુજરાતના એક ઉચ્ચ આઈપીએસ અધિકારીનો ફોન આવ્યા બાદ આ ૨૦ લાખ રૂપિયા પરત કરવામાં આવ્યા હતા, જોકે તંત્ર દ્વારા હજુ સુધી આ બાબતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

આ શંકાસ્પદ હવાલા કેસની ગંભીરતાને ધ્યાને લેતા ગ્વાલિયર રેન્જના ડીઆઈજી અમિત સાંઘી ૨૧ માર્ચ, શનિવારની મોડી રાત્રે પોતે ધરણાવાડા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમણે કલાકો સુધી રૂથિયાઈ ચોકીના રેકોર્ડ્સ અને ટોલ બૂથના સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી. ડીઆઈજીએ ઘટના સમયે હાજર અધિકારીઓની કડક પૂછપરછ કરી હતી કે આટલી મોટી રકમ જપ્ત કર્યાની નોંધ ડાયરીમાં કેમ કરવામાં આવી ન હતી. પોલીસની આ શંકાસ્પદ ભૂમિકા અને લાંચના સોદાની પ્રાથમિક પુષ્ટિ થતા જ વાતાવરણ ગરમાયું હતું અને કસૂરવાર પોલીસકર્મીઓ પર ગાજ પડી હતી.

તપાસના અંતે ડીઆઈજી અમિત સાંઘીએ શિસ્તભંગના પગલાં લેતા સ્ટેશન ઇન્ચાર્જ (TI) અને અન્ય ત્રણ પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. ડીઆઈજીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ૧૯મી તારીખની રાત્રે વાહન ચેકિંગ દરમિયાન કાયદેસરની કાર્યવાહી કરવાને બદલે ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે, જે ચલાવી લેવાશે નહીં. હાલમાં આ સમગ્ર પ્રકરણની ઊંડી તપાસ માટે વિશેષ ટીમની રચના કરવામાં આવી છે. આ કિસ્સાએ આંતરરાજ્ય સરહદો પર થતી પોલીસ ચેકિંગની વિશ્વસનીયતા અને 'સફેદ ઝભ્ભા'માં છુપાયેલા હવાલાના કારોબાર પર અનેક સવાલો ઉભા કર્યા છે.

(2:21 PM IST)