<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd March 2026

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની 'સાઈડ ઈફેક્ટ': હવે માંદગી પણ મોંઘી બનશે, જીવનરક્ષક દવાઓના ભાવમાં તોતિંગ વધારાના સંકેત

ફાર્મા સેક્ટર પર આંતરરાષ્ટ્રીય સંઘર્ષની સીધી અસર: પેટ્રોલિયમ પેદાશો અને સોલ્વન્ટના ભાવ ભડકે બળતા મેન્યુફેક્ચરિંગ કોસ્ટમાં જંગી ઉછાળો, આગામી દિવસોમાં સિરપ અને ઈન્જેક્શન પાછળ સામાન્ય જનતાએ ૧૦ થી ૨૦ ટકા વધુ કિંમત ચૂકવવી પડશે

અમદાવાદ: પશ્ચિમ એશિયામાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની જ્વાળાઓ હવે સામાન્ય માણસના મેડિકલ બજેટને દઝાડવા તૈયાર છે. અમદાવાદ સહિત દેશભરના ફાર્માસ્યુટિકલ સેક્ટર પર આ યુદ્ધની ગંભીર અસરો વર્તવા લાગી છે. દવા બનાવવા માટે પાયાના ઘટક તરીકે વપરાતા સોલ્વન્ટ અને પેટ્રોલિયમ પેદાશોના આંતરરાષ્ટ્રીય ભાવમાં અચાનક ઉછાળો આવતા દવાઓના ઉત્પાદન ખર્ચમાં મોટો વધારો થયો છે. કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના મતે, જો આ યુદ્ધ લાંબુ ખેંચાશે તો આગામી દિવસોમાં જીવનરક્ષક દવાઓ સામાન્ય મધ્યમ વર્ગની પહોંચથી દૂર થઈ જાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

દવા ઉદ્યોગના નિષ્ણાતો અને એસોસિએશનના પ્રેસિડેન્ટ જશવંત પટેલના જણાવ્યા અનુસાર, મોટાભાગની લિક્વિડ દવાઓ, સીરપ અને ઈન્જેક્શન તૈયાર કરવા માટે જે બેઝિક કેમિકલ્સ વપરાય છે, તેની આયાત મુખ્યત્વે યુદ્ધગ્રસ્ત વિસ્તારોની આસપાસના દેશોમાંથી થાય છે. ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષને કારણે સમુદ્રી માર્ગો પર જોખમ વધ્યું છે અને સપ્લાય ચેઈન ખોરવાઈ જતા નૂર ભાડામાં તોતિંગ વધારો થયો છે. કાચો માલ મોંઘો થતા ફાર્મા કંપનીઓ માટે અત્યારે જૂના ભાવે દવાઓ વેચવી મુશ્કેલ બની રહી છે, જેની સીધી અસર હવે નવી બેચની દવાઓના એમ.આર.પી. (MRP) પર જોવા મળી શકે છે.

ક્રૂડ ઓઈલના ભાવ વધવાની સીધી અસર ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ પર પડે છે, કારણ કે ઘણી દવાઓના સોલ્યુશન તૈયાર કરવા માટે પેટ્રોલિયમ આધારિત પેદાશો અનિવાર્ય છે. જ્યારે પણ વૈશ્વિક બજારમાં ઈંધણ મોંઘું થાય છે, ત્યારે દવાઓના બેઝ તરીકે વપરાતા કેમિકલ્સના ભાવ પણ આસમાને પહોંચે છે. હાલમાં રાહતની વાત માત્ર એટલી જ છે કે ફાર્મા હબ ગણાતા અમદાવાદની કંપનીઓ પાસે અંદાજે બે થી ત્રણ મહિનાનો કાચો સ્ટોક ઉપલબ્ધ છે. જોકે, આ સ્ટોક પૂર્ણ થતાની સાથે જ નવી આવતી દવાઓના ભાવમાં ૧૦ થી ૨૦ ટકાનો વધારો ઝીંકાય તેવી દહેશત સેવાઈ રહી છે.

હાલમાં ફાર્મા કંપનીઓ 'વેટ એન્ડ વોચ'ની સ્થિતિમાં છે અને સરકારના હસ્તક્ષેપની અપેક્ષા રાખી રહી છે. જો સરકાર દ્વારા કાચા માલની આયાત પરની ડ્યુટીમાં રાહત આપવામાં નહીં આવે, તો આગામી થોડા અઠવાડિયામાં કેમિસ્ટની દુકાનો પર દવાઓના ભાવ બદલાયેલા જોવા મળશે. ખાસ કરીને લિક્વિડ ફોર્મ્યુલેશન ધરાવતી દવાઓ સૌથી વધુ પ્રભાવિત થશે. અમદાવાદ જેવા મોટા ફાર્મા સેન્ટરમાં અત્યારથી જ ભાવવધારાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આંતરરાષ્ટ્રીય કટોકટી વચ્ચે સામાન્ય માણસના સ્વાસ્થ્ય ખર્ચને અંકુશમાં રાખવા માટે કેવા નિર્ણયો લેવામાં આવે છે.

(3:45 PM IST)