તા. ૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ આસો વદ અમાસ, શુક્રવાર
News of Sunday, 22nd March 2026
વડોદરામાં SRP ગ્રુપ-1માં ફરજ બજાવતા જવાનનો બીમારીથી કંટાળી આપઘાત :સમગ્ર પંથકમાં ચકચાર
છેલ્લા એક વર્ષથી તેઓ કમરમાં મણકાની ગંભીર બીમારીથી પીડાતા હતા

વડોદરામાં વધુ એક જવાન દ્વારા જીવન ટૂંકાવવાની આઘાતજનક ઘટના સામે આવી છે. શહેરના ડભોઈ રોડ પર આવેલી મહાનગર સોસાયટીમાં રહેતા અને SRP ગ્રુપ-1માં ફરજ બજાવતા 44 વર્ષીય જવાને લાંબી બીમારીથી કંટાળી પોતાના ઘરે આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, શહેરના ડભોઈ રોડ પર આવેલી મહાનગર સોસાયટીમાં રહેતા સુમનભાઈ શકુભાઈ રાઠવા (44) છેલ્લા ઘણા સમયથી રાજ્ય અનામત પોલીસ દળ (SRP) ગ્રુપ-1 માં પોતાની સેવાઓ આપી રહ્યા હતા. જો કે છેલ્લા એક વર્ષથી તેઓ કમરમાં મણકાની ગંભીર બીમારીથી પીડાતા હતા.
આ બીમારી એટલી હદે વકરી હતી કે તેઓ હલનચલન કરવામાં અસમર્થ હતા અને ચાલવામાં તકલીફ પડતી હોવાને કારણે છેલ્લા એક વર્ષથી રજા પર હતા. રવિવારે સવારે સુમનભાઈએ પોતાના ઘરની પાછળના ભાગે આવેલા પતરાવાળા સ્ટોરરૂમમાં લોખંડની પાઈપ સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો.
આ ઘટનાની જાણ થતાં વાડી પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જે બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ મોકલીને આગળની તપાસ હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં લાંબા સમયની બીમારી અને શારીરિક પીડા સહન ના થતાં સુમનભાઈએ અંતિમ પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. મૃતક સુમનભાઈને પરિવારમાં ચાર દીકરીઓ છે. જેમના આપઘાતથી ચારેય દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે. પિતાના અકાળે અવસાનથી પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયો છે. હાલ તો પોલીસ આપઘાત પાછળ બીમારી સિવાય અન્ય કોઈ અંગત કે પારિવારિક કારણ જવાબદાર છે કે કેમ, તે દિશામાં તપાસ તેજ કરી છે.
(8:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
