<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd March 2026

અમદાવાદના ગંદકી ફેલાવનારા સામે મનપાની મોટી કાર્યવાહી: 6 એકમ સીલ: 2 લાખથી વધુનો દંડ વસૂલ્યો

જાહેર માર્ગો પર ગંદકી ફેલાવતા, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા અને સ્વચ્છતાના નિયમોનો ભંગ કરતા ધંધાકીય એકમો સામે કડક કાર્યવાહી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના પશ્ચિમ ઝોનમાં સ્વચ્છતા અને જાહેર આરોગ્યના ધોરણો જાળવવા માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જાહેર માર્ગો પર ગંદકી ફેલાવતા, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા અને સ્વચ્છતાના નિયમોનો ભંગ કરતા ધંધાકીય એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત છેલ્લા બે દિવસમાં કુલ રૂ. 2,04,700/- નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે અને ગંભીર નિયમભંગ બદલ છ એકમોને સીલ કરવામાં આવ્યા છે.

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ, પશ્ચિમ ઝોન દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહી પશ્ચિમ ઝોનના તમામ વોર્ડમાં અમલમાં મૂકવામાં આવી હતી. આ ઝુંબેશમાં પાનના ગલ્લા, ચાની કીટલીઓ, તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ઉત્પાદન, સંગ્રહ, વેચાણ કે ઉપયોગ કરતા એકમોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, કચરાપેટી ન રાખનાર એકમો સામે પણ પગલાં લેવાયા હતા. ધી જી.પી.એમ.સી. એક્ટ અને પબ્લિક હેલ્થ બાયલોઝ અંતર્ગત દિવસ-રાત સ્કવોડ ટીમો દ્વારા આ કાર્યવાહી ચલાવવામાં આવી હતી, જેનો મુખ્ય હેતુ શહેરમાં સ્વચ્છતા અને આરોગ્યનું ઉચ્ચ સ્તર જાળવવાનો છે. કુલ 247 યુનિટની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 152 યુનિટને નોટિસ ફટકારવામાં આવી હતી.

આ સઘન ઝુંબેશ દરમિયાન, AMC દ્વારા 3.7 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું, જેના પેટે રૂ. 35,700/- નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, જાહેર માર્ગો પર ગંદકી અને ન્યુસન્સ ફેલાવવા બદલ કુલ 06 ધંધાકીય એકમોને સીલ કરીને તેમની પાસેથી રૂ. 1,69,000/- નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. આમ, કુલ રૂ. 2,04,700/- નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

સીલ કરવામાં આવેલા છ એકમોમાં મુખ્યત્વે ગંદકી ફેલાવવાની બાબત જવાબદાર હતી. નવરંગપુરા વોર્ડમાંથી ડીલક્ષ બેકરી મનમોહન ચવાણા એન્ડ સ્વીટ માર્ટની બાજુમાં આવેલી એક દુકાન અને પંચવટી સર્કલ પાસેના GF વાઈટ હાઉસમાં આવેલી એક અનામી દુકાનને સીલ કરવામાં આવી હતી. નારણપુરા વોર્ડમાં, ફોન મેક્સ અમી એપાર્ટમેન્ટ સામેની દુકાન, રાધા રાણી રેસ્ટોરન્ટ (સ્વામિનારાયણ એવન્યુ), શ્રી ઉમિયા ઝેરોક્ષ (સ્વામિનારાયણ એવન્યુ) અને શિવમ એસ્ટેટ ભૂયંગદેવ રોડ પરની એક દુકાનને ગંદકી ફેલાવવા બદલ સીલ કરવામાં આવી છે.

AMCનું સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ હાલમાં પશ્ચિમ ઝોનના રહેણાંક અને વાણિજ્યિક વિસ્તારોમાં જનજાગૃતિ અભિયાન પણ ચલાવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત કચરો જાહેરમાં ન ફેંકવા, કચરાનું સેગ્રીગેશન કરવા અને AMCના વાહનોમાં જ કચરો નાખવા અંગે પત્રિકાઓ વહેંચીને અને સમજણ આપીને લોકોને શિક્ષિત કરવામાં આવી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અનુસાર શહેરીજનોના સ્વાસ્થ્ય અને આરોગ્ય સાથે ચેડા કરતા આવા એકમો પર આગામી દિવસોમાં પણ સખત પગલાં લેવાની કામગીરી ઝુંબેશના ભાગરૂપે ચાલુ રહેશે.

(8:18 PM IST)