<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd March 2026

રાજપીપલામાં 'શિવ શક્તિ પાર્શ્વધામ' જિન મંદિરનો ચતુર્વિધ ચલ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

ચાર દિવસ દરમિયાન ધાર્મિક ઉત્સવો યોજાયા : ગૃહ જિનમંદિરમાં દેવ-દેવીઓની પ્રતિષ્ઠા કરવામાં આવી

( ભરત શાહ દ્વારા ) નર્મદા :રાજપીપલામાં 'શિવ શક્તિ પાર્શ્વધામ' જિનમંદિરનો ચતુર્વિધ ચલ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો જેમાં 19 થી 22 માર્ચ દરમિયાન ધાર્મિક ઉત્સવો યોજવામાં આવ્યા હતા.ગૃહ જિનમંદિરમાં દેવ-દેવીઓની પ્રતિષ્ઠા કરવામાં આવી રાજપીપળા શેહેરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી જેમાં દ્વારકેશલાલજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાજપીપળા માં  બક્ષી ખડકી ખાતે રહેતા ગંગર પરિવાર દ્વારા નિર્મિત નૂતન ગૃહ જિનમંદિરમાં 'શિવ શક્તિ પાર્શ્વધામ' ચલ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી  આ મંગલમય પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સહિત ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરાયું હતું.

  મહોત્સવ બાબતે માહિતી આપતા અતુલભાઈ ગંગરે જણાવ્યું હતું કે પ્રથમ દિવસે હરસિદ્ધિ માતાજીના મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં વિવિધ દેવ-દેવીઓ સાથે ગંગર પરિવારના આંગણે મંગલ પ્રવેશ કરવામાં આવ્યો હતો. રાત્રે  ચિંતન પટેલ અને ગ્રુપ દ્વારા મંગલ વધામણાંનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મહોત્સવ દરમિયાન પરમ પૂજ્ય ગોસ્વામી 108 દ્વારકેશલાલજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 

 આ  ચાર દિવસીય કાર્યક્રમમાં ગાદી સ્થાપના, વાસ્તુ પૂજન અને બપોરે સંપૂર્ણ સિદ્ધચક્ર મહાપૂજન,  હોમાત્મક મહાલઘુ રુદ્ર પૂજન અને નવચંડી મહાપૂજન તથા પૂર્ણાહુતિ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. મહોત્સવમાં રાત્રિના સમયે 'શિવ સંધ્યા' અને ભક્તિ સંગીતના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યો હતો. સંઘવી ઝવેરબેન અમૃતલાલ ગંગર પરિવાર દ્વારા આયોજિત આ મહોત્સવમાં સમાજના લોકો અને રાજપીપલા સહિતના આગેવાનો મોટી સંખ્યામાં હાજરી આપી હતી. ચાર દિવસ સુધી રાજપીપલાનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું

(9:04 PM IST)