News of Sunday, 22nd March 2026
સાણંદ વિરમગામ હાઈવે પર કેમિકલયુક્ત પાણી પીતા 33 ઘેટા બકરાના મોત થવાથી અરેરાટી
સાણંદ વિરમગામ હાઈવે પર વિરોચનનગર પાટિયા પાસે કરુણ ઘટના: ટ્રિપલ અકસ્માત બાદ રસ્તાની બાજુમાં ઢોળાયેલું કેમિકલયુક્ત પાણી પીવાથી કચ્છથી આવી રહેલા પશુપાલકના અંદાજે 33 જેટલા ઘેટા બકરાના ટપોટપ મોતની આશંકા

સાણંદ વિરમગામ હાઈવે પર કેમિકલયુક્ત પાણી પીતા 33 ઘેટા બકરાના મોત થવાથી અરેરાટી વ્યાપી ગઈ છે. 33 ઘેટા-બકરાના મોત થતાં માલધારીઓની રોજીરોટી છીનવાઈ છે. સાણંદ વિરમગામ હાઈવે પર આવેલા વિરોચનનગર પાટિયા પાસે કરુણ ઘટના સામે આવી હતી. થોડા દિવસ પહેલા થયેલા ટ્રિપલ અકસ્માત બાદ રસ્તાની બાજુમાં ઢોળાયેલું કેમિકલયુક્ત પાણી પીવાથી કચ્છથી આવી રહેલા પશુપાલકના અંદાજે 33 જેટલા ઘેટા બકરાના ટપોટપ મોતની આશંકા સેવવામાં આવી રહીછે.
પ્રાપ્ત વિગતો અનુસાર કચ્છના રઘુભાઈ રબારી પોતાના ઘેટા બકરા સાથે સાણંદ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન વિરોચનનગર પાટિયા પાસે રસ્તાની સાઇડમાં ભરાયેલું કેમિકલયુક્ત પાણી પશુઓએ પી લીધું હતું. ઝેરી કેમિકલની અસરને કારણે ગણતરીની મિનિટોમાં જ પશુઓ તરફડિયા મારીને મૃત્યુ પામ્યા હતા. ઉલ્લેખનીય છે કે અગાઉ થયેલા અકસ્માતમાં ટેન્કરમાંથી આ કેમિકલ અહીં ઠલવાયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે પશુપાલકની આજીવિકા છીનવાઈ જતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માગ છે કે GPCB દ્વારા તપાસ કરવામાં આવે કે ઘેટા બકરાએ જે પાણી પીધું તે ખરેખર કેમિકલયુક્ત હતું ? આ કેમિકલ કયું હતું અને કોની બેદરકારી છે તેની તટસ્થ તપાસ કરવામાં આવે.
(9:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
