News of Sunday, 22nd March 2026
સુરતની નવી સિવિલ હોસ્પિટલ પાસે હાઇવોલ્ટેજ ડ્રામા :યુવકે ઝાડ પર ચડી ભારે ધમાચકડી મચાવી
ફાયર વિભાગે હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને સેફ્ટી નેટની મદદથી યુવકને સલામતીપૂર્વક નીચે ઉતાર્યો

સુરતની નવી સિવિલ હોસ્પિટલ પાસે આજે એક હાઇવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. એક યુવકે ઝાડ પર ચડી ભારે ધમાચકડી મચાવતા આસપાસના લોકો જોતા રહી ગયા હતા. યુવકને ઝાડ પર ચડેલો જોઈ લોકોના ટોળા ઉમટ્યા હતા. એ પછી પોલીસ તેમજ ફાયર વિભાગને આ અંગેની જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગ આવી જતાં લોકોના જીવમાં જીવ આવ્યો હતો.
જોકે યુવક ઝાડની છેક એકબાજુથી નમી ગયેલી ટગલી ડાળ સુધી પહોંચી ગયો હતો. તેના વજનથી ડાળી તૂટે તો અકસ્માતનો ભય પણ હતો. આ માટે નીચે કેટલાક લોકો જાળી પકડીને પણ ઊભા હતા. અંતે ફાયર વિભાગે હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને સેફ્ટી નેટની મદદથી યુવકને સલામતીપૂર્વક નીચે ઉતાર્યો હતો.
રેસ્ક્યુ કર્યા બાદ તુરંત જ પોલીસ કાફલાએ યુવકને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. હાલ મળતી માહિતી અનુસાર આ યુવક માનસિક રીતે અસ્થિર હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. જોકે યુવકે ઝાડ પર ચડી લોકોને પોતાના ડ્રામાથી તડકે ઊભા રાખી આ આખો સન્ડે શૉ દેખાડ્યો હતો.
(9:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
