<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

ભાષાના પેપરમાં જ ભાષાની ઐસીતૈસી ધો.૧૦ ગુજરાતીના પ્રશ્નપત્રમાં ૫૦ ભૂલ

કાવ્‍યથી લઈ વ્‍યાકરણ સુધી ક્ષતિઓની હારમાળા

અમદાવાદ તા.૨૩: ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી પોરણ ૧૦ની પરીક્ષામાં ભાષાની શુદ્ધતાના ધજાગરા ઉડયા હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. ગત ૨૬મી ફેબ્રુઆરીના રોજ લેવાયેલા ગુજરાતી (પ્રથમ ભાષા)ના પ્રશ્નપત્રમાં જોડણી, વ્‍યાકરણ અને તથ્‍યોની ૫૦થી પણ વધુ નાની-મોટી ભૂલો હોવાનો દાવો શિક્ષણ જગતના નિષ્‍ણાંતો દ્વારા કરાયો છે. આ ગંભીર બેદરકારી મામલે હાલ સોશિયલ મીડિયા પર પ્રશ્નપત્રના સ્‍ક્રીનશોટ સાથે શિક્ષણ બોર્ડની આકરી ટીકા થઈ રહી છે.

શિક્ષણ બોર્ડ દ્વારા તા.૨૬મી ફેબ્રુઆરીના રોજ ધો.૧૦માં ગુજરાતી સહિતની વિવિધ પ્રથમ ભાષા વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. ગુજરાતી વિષયના પેપરમાં જોડણી સહિતની નાની મોટી અંદાજે ૫૦થી વધુ ભાષાકીય ભૂલ હોવાનો દાવો નિષ્‍ણાતો દ્વારા કરાયો છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ કરાયેલા પેપરમાં કયા પ્રકારની ભૂલ થઈ છે તેની પણ નોંધ કરવામાં આવી હતી. ભાષાના પેપરમાં આ પ્રકારની ભૂલને લઈને હાલમાં સોશિયલ મીડિયા પર બોર્ડની આકરી ટીકા કરવામાં આવી રહી છે. કાવ્‍ય પરથી પ્રશ્નના જવાબમાં કાવ્‍યમાં જઅનેક પ્રકારની ભૂલો દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત વ્‍યાકરણ વિભાગમાં પણ અનેક પ્રકારની ભૂલો છે, પથ આધારિત પ્રશ્નોના જવાબમાં પણ ખોટા જવાબો આપવામાં આવ્‍યા છે. વિષય નિષ્‍ણાત દ્વારા સોશિયલ મીડિયામાં દરેક પ્રશ્નની છણાવટ કરીને બોર્ડની બેદરકારીનું ચિત્ર ઉજાગર કરાયું છે.

બોર્ડનો બચાવઃ ગોપનીયતા જાળવવા પ્રૂક રીડિંગ થતું નથી, પાંચમાંથી એક પેપર સીધું પ્રિન્‍ટિંગમાં જાય છે

વાયરલ થયેલા પ્રશ્નપત્ર અંગે બોર્ડના સત્તાધીશો કહે છે કે, બોર્ડની પરીક્ષાની ગોપનીયતા જાળવવા માટે કોઈપણ નિષ્‍ણાત દ્વારા કઢાતા પ્રશ્નપત્ર શિક્ષણ બોર્ડ કે વિભાગ જોઇ શકતું નથી. દરેક વિષયમાં પાંચ નિષ્‍ણાત પાસેથી પેપર કઢાવવામાં આવે છે. નિષ્‍ણાત પોતે પેપર કાઢ્‍યા બાદ સીલબંધ કવરમાં બોર્ડમાં જમા કરાવતા હોય છે. બોર્ડના ચેરમેન પાંચ પૈકી કોઈપણ એક પ્રશ્નપત્ર પસંદ કરીને સીધું પ્રિન્‍ટિંગ પ્રેસમાં મોકલી આપે છે. આ દરમિયાન કોઇ કવર ખોલવામાં આવતું નથી. પરીક્ષાની ગોપનીયતા જાળવવા માટે પ્રશ્નપત્રના પ્રૂફ રીડિગની કામગીરી થતી નથી.

 

(10:02 AM IST)