News of Monday, 23rd March 2026
આગામી ૪૦ દિ'માં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણઃ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ તુર્તમાં રચાશે
ગલીએ ગલીએ સેવકો ફરશે, મોટી મોટી વાતો કરશે, ભાષણોની ભેટ ધરશે, મતદાન સુધી નમશે, પછી ‘રમત' રમશે... : ગુરૂવારે વિધાનસભા સત્ર પૂર્ણ થાય છે, તા.૩૧મીએ વડાપ્રધાન ગુજરાત આવે છેઃ મોડામાં મોડા તા.૨ એપ્રિલ સુધીમાં આચારસંહિતાઃ એપ્રિલ ઉતરાર્ધમાં મતદાન : ભાજપની ચૂંટણી વ્યવસ્થા સમિતિ ચુંટણીને લગતી વ્યવસ્થા ઉમેદવારી, નેતાઓના પ્રવાસ, સભા વગેરે સંભાળશેઃ કોર સમિતિ મહત્વના નિર્ણયો લેવા માટે રચાયેલ છેઃ સંસદીય બોર્ડ સોૈથી વધુ મહત્વનું છે, આ બોર્ડ ઉમેદવાર પસંદગી અને ત્યારપછી પદાધિકારીઓની પસંદગી કરે છે

રાજકોટ તા ૨૩: રાજ્યમાં આગામી નજીકના ભવિષ્યમાં યોજાનાર તાલુકા જિલ્લા પંચાયતોની ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી પંચ અને ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના પક્ષો દ્વારા તથા પક્ષો દ્વારા તૈયારી થઈ રહી છે . તારીખ ૨૫ મીએ વિધાનસભા સત્ર પૂરું થઈ પછી તુરત ચૂંટણીની જાહેરાત થશે .આગામી ૪૦ દિવસમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે તેમ આધારભૂત વર્તુળો જણાવે છે .
ચૂંટણી કાર્યક્રમની જાહેરાત પછી જાહેરનામુ બહાર પડે તે દિવસથી ફોર્મ ભરવાનું શરૂ થાય છે. ફોર્મ ભરવાના સમય અને મતદાનના સમય વચ્ચે સામાન્ય રીતે ૨૨ દિવસનો સમય રાખવામાં આવે છે .હાલના સંજોગો મુજબ એપ્રિલના અંતમાં મતદાન થાય તેવું દેખાય છે .ભાજપ દ્વારા પાર્લામેન્ટરી બોર્ડની રચના ટૂંક સમયમાં જ કરવામાં આવશે. આણંદના ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે તારીખ ૩૦ માર્ચથી ૬ એપ્રિલ સુધી ફોર્મ ભરવાનો સમય છે તેથી અઠવાડિયામાં જ પાર્લામેન્ટરી બોર્ડ રચાઈ જશે .ઉમરેઠમાં તારીખ ૨૩ એપ્રિલે મતદાન છે .
ભાજપ દ્વારા ચૂંટણી વ્યવસ્થા સમિતિ બનાવવામાં આવી છે તે પ્રચાર અને પ્રચારાત્મક કાર્યક્રમોનું સંકલન કરશે. ૧૧ સભ્યોની કોર સમિતિ મહત્વના નિર્ણયો લેશે હવે પછી રચાનાર પાર્લામેન્ટ બોર્ડ ઉમેદવાર પસંદગી અને ત્યાર પછીના પદાધિકારીઓની પસંદગી અંગે નિર્ણય કરશે. પાર્લામેન્ટરી બોર્ડમાં સરકાર અને સંગઠનના સિનિયર આગેવાનો હોય છે
તારીખ ૨૫ માર્ચે વિધાનસભા સત્ર પૂરું થઈ રહ્યું છે તા.૩૧ મીએ ગાંધીનગર બનાસકાંઠા તરફ વડાપ્રધાનનો કાર્યક્રમ ગોઠવાઈ રહ્યો છે મોડા મોડા તારીખ ૨ એપ્રિલ સુધીમાં ચૂંટણી જાહેર થઈ જશે તેવું આધારભૂત વર્તુળોનું કહેવું છે. ચૂંટણી જાહેર થયા પછી તુંરત જ આચાર સહિતા નો અમલ થશે અને જાહેરાતના એક બે દિવસ પછી ફોર્મ ભરવાનો સમય શરૂ થશે. ચાર રાજ્યોનું પરિણામ ૪ે મેં એ છે તે પૂર્વે ચૂંટણી પંચ સમગ્ર પ્રક્રિયા આટોપી લ્યે તેવા નિર્દેશ છે. ભાજપની બેઠકમાં પણ આગામી ૪૦ દિવસમાં એટલે કે મોડા મોડા મેના પહેલા અઠવાડિયામાં પરિણામ સહિતની ચૂંટણી પ્રક્રિયા પૂરી થાય તેવા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યા છે
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
