તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 23rd March 2026
શાંતિગ્રામ ગુરૂકુલમાં શિક્ષણ સાથે સંસ્કાર સિંચનઃ આધુનિક સુવિધાઓથી વાલીઓ ખુશ
રાજકોટ ગુરૂકુલની શાખામાં પ્રથમ વાર મીટીંગ મળીઃ વિશ્વશાંતિ માટે પ્રાર્થના

અમદાવાદ શાંતિગ્રામ ગુરૂકુલ ખાતે સંતોની હાજરીમાં વાલીઓની બેઠક યોજાયેલ તેમજ રમતગમતમાં વિજેતા બાળકોના સંતોના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવેલ તે પ્રસંગની તસ્વીર
રાજકોટઃ તા.૨૩,શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ઇન્ટરનેશનલ સ્કૂલ, શાંતિગ્રામ ખાતે પ્રથમ પ્રાર્થના સભા તેમજ વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકોએ ઉત્સાહભેર હાજરી આપી હતી.
વર્તમાન સમયમાં ચાલી રહેલી વૈશ્વિક અશાંતિ અને યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સૌએ સર્વના સુખાકારી અને વિશ્વશાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરી હતી. વિદ્યાર્થીઓએ ભક્તિભાવથી પ્રાર્થના રજૂ કરી અને વિશ્વમાં શાંતિ, સૌહાર્દ અને માનવતાના મૂલ્યો મજબૂત બને તેવી ભાવના વ્યક્ત કરી. શાળાના આચાર્યશ્રીએ ‘શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ઇન્ટરનેશનલ સ્કૂલ' કેવી રીતે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને જીવન ઘડતરમાં મહત્વનો ભાગ ભજવશે, તેની વિસ્તળત માહિતી આપી હતી. શિક્ષણની સાથે સંસ્કાર સિંચનની આ વાત સાંભળી તમામ વાલીઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે સંતો દ્વારા આધ્યાત્મિક પ્રવચન આપવામાં આવ્યું, જેમાં જીવનમાં સંસ્કાર, શિસ્ત અને આધ્યાત્મિક મૂલ્યોના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. વાલીઓ અને શિક્ષકોએ પણ આ ઉમદા પ્રયત્નને સમર્થન આપ્યું અને બાળકોના સર્વાંગી વિકાસ માટે સકારાત્મક સંદેશો આપ્યા.
કાર્યક્રમ અંતર્ગત વાલીઓને સ્કૂલ કેમ્પસની મુલાકાત કરાવવામાં આવી, જેમાં આધુનિક સુવિધાઓ, સુરક્ષિત વાતાવરણ અને શિક્ષણની વ્યવસ્થા વિશે વિસ્તળત માહિતી આપવામાં આવી. ત્યારબાદ શૈક્ષણિક સત્રમાં સ્કૂલની કાર્યપદ્ધતિ, અભ્યાસક્રમ, વ્યક્તિગત ધ્યાન અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવતા પ્રયત્નોની માહિતી આપવામાં આવી હતી.
વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે વિવિધ રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ડોર રમતોમાં કેરમ, ચેસ, લુડો, પાસિંગ ધ બોલ અને બાસ્કેટબોલ જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત આઉટડોર રમતોમાં પિકલ બોલ, બાસ્કેટબોલ, વોલીબોલ, મ્યુઝિકલ ચેર, લેમન-સ્પૂન રેસ, ટગ ઓફ વોર તેમજ કપલ બલૂન ગેમ જેવી મનોરંજક પ્રવળત્તિઓ યોજાઈ, જેમાં સૌએ આનંદપૂર્વક ભાગ લીધો હતો.
રમતગમતના અંતે સંતોના હસ્તે વિજેતાઓને ઇનામો વિતરણ કરવામાં આવ્યા, જે બાળકો અને વાલીઓ માટે ખાસ આનંદદાયક ક્ષણ બની રહી.
આ સમગ્ર કાર્યક્રમ ભક્તિપૂર્ણ, આનંદમય અને શાંતિમય વાતાવરણમાં યોજાયો, જેમાં એકતા, સહઅસ્તિત્વ અને સંસ્કારપૂર્ણ જીવન જીવવાનો મજબૂત સંદેશ આપવામાં આવ્યો.
(2:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
