<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

કંડલા-મુન્‍દ્રા કન્‍ટેનર ટ્રાન્‍સપોર્ટ વેલફેર એસો.દ્વારા ભાડામાં ૨૦%નો વધારો

યુદ્ધની પરિસ્‍થિતિ અને ડીઝલની ઉપલબ્‍ધિમાં ઘટાડો થતાં એસો. દ્વારા નિર્ણય : તમામ ડેસ્‍ટિનેશન માટે આજથી ઈમરજન્‍સી ટ્રાન્‍સપોર્ટ રેટ લાગુ કરવા ટ્રેડ નોટિસ બહાર પડાઈ

ગાંધીધામ,તા.૨૪: મધ્‍ય પૂર્વમાં યુદ્ધને કારણે તણાવપૂર્ણ પરિસ્‍થિતિની સીધી અસર કંડલા-મુન્‍દ્રા પોર્ટના ટ્રાન્‍સપોર્ટ ઉદ્યોગ પર પડી રહી છે. યુદ્ધની સ્‍થિતિને જોતાં આગામી સમયમાં વધુ કટોકટી સર્જાવાની સંભાવના તેમજ ડીઝલની ઉપલબ્‍ધિમાં ઘટાડો થતાં કંડલા -મુન્‍દ્રા કન્‍ટેનર ટ્રાન્‍સપોર્ટ વેલફેર એસોસિયેશન દ્વારા ભાડામાં વધારો કરવાનો નિર્ણય લેવાયો હતો. એસો.એ

જાહેર નોટિસ દ્વારા જણાવ્‍યું હતું કે, કંડલા અને મુન્‍દ્રા પોર્ટ સાથે સંકળાયેલા ટ્રાન્‍સપોર્ટ ક્ષેત્રમાં ગંભીર સ્‍થિતિ ઊભી થઈ છે. મધ્‍ય પૂર્વમાં યુદ્ધની તણાવપૂર્ણ પરિસ્‍થિતિને કારણે ટ્રાન્‍સપોર્ટર્સ મુશ્‍કેલીમાં મુકાયા છે અને છેલ્‍લા કેટલાક દિવસથી ડીઝલ સપ્‍લાયમાં અનિયમિતતા જોવા મળી રહી છે.

વિશ્વમાં તેલ સપ્‍લાય ચેનમાં વિક્ષેપ થયો છે. ત્‍યારે પ્રશ્નનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં પણ વિકટ પરિસ્‍થિતિનું નિર્માણ થવાની સંભાવના સૂત્રો દ્વારા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે. આ અંગે કંડલા મુન્‍દ્રા કન્‍ટેનર ટ્રાન્‍સપોર્ટ વેલ્‍ફેર એસોસિયેશનના પ્રમુખે જણાવ્‍યું હતું કે, હાલની સ્‍થિતિને જોતા તમામ સ્‍થળો માટે પ્રવર્તમાન પરિવહન દરમાં ૨૦ ટકાનો વધારો કરાયો હતો. તા.૨૪/૩/૨૬થી આ નવો ભાવ લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે, પરંતુ પરિસ્‍થિતિ સામાન્‍ય થતાં જ ભાવ વધારો પાછો ખેંચી લેવામાં આવશે. (૪૦.૧૩)

અનિヘતિ સ્‍થિતિથી ખર્ચમાં વધારો થવાની ભીતિ

યુદ્ધના કારણે વિશ્વભરમાં ઘેરા પડઘા પડી રહ્યા છે. તેલની સપ્‍લાય ચેન અવરોધાઈ છે. ત્‍યારે કંડલા મુન્‍દ્રા કન્‍ટેનર ટ્રાન્‍સપોર્ટ વેલફેર એસોસિયેશન દ્વારા વધુમાં જણાવ્‍યું હતું કે, વર્તમાન પરિસ્‍થિતિ અનિヘતિ છે. પરિણામે આવનાર સમયમાં ખર્ચમાં વધુ વધારો થવાથી અથવા સેવા વ્‍યવસ્‍થામાં ફેરફાર થવાની શક્‍યતા નકારી શકાય તેમ નથી.

(10:19 AM IST)