<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

પેટ્રોલ-ડીઝલ ફક્‍ત વાહનોમાં પૂરી દેવાનો પુરવઠા વિભાગનો કડક આદેશ

અફવાઓને લીધે લોકો બેરલ અથવા બીજા પાત્રમાં પેટ્રોલ ડીઝલનો સંગ્રહ કરવા લાગ્‍યા હોય પંપ ધારકોને પુરવઠા વિભાગની કડક સુચના

રાજકોટ તા.૨૪: હાલમાં સોશિયલ મીડિયા દ્વારા તેમજ જુદા જુદા માધ્‍યમો દ્વારા ફેલાયેલ અફવાને લીધે સમગ્ર ગુજરાતમાં લોકોએ પેટ્રોલ પંપ ઉપર લાઈનો લગાવતા અનેક પંપો ડ્રાય થઈ ગયા છે ત્‍યારે રાજ્‍યના પુરવઠા વિભાગ દ્વારા માત્ર વાહનોની ટાંકીમાંજ જથ્‍થો પૂરી દેવાનો હુકમ કર્યો છે.

અન્ન અને નાગરિક પુરવઠા નિયામક દ્વારા રાજ્‍યના તમામ કલેકટર, જિલ્લા પુરવઠા અધિકારી,ભારત પેટ્રોલિયમ, ઇન્‍ડિયન ઓઇલ, હિન્‍દુસ્‍તાન પેટ્રોલિયમ, જીઓ બીપી અને નાયરા કંપનીને ગઈકાલે પરિપત્ર આપી કડક સુચના આપી છે કે સાંપ્રત પરિસ્‍થિતિમાં પેટ્રોલ પંપ પરથી વેચાણ કરવામાં આવતો પેટ્રોલ તથા ડીઝલનો જથ્‍થો ખોટી રીતે સંગ્રહ ન થાય તે માટે રાજ્‍યના દરેક પેટ્રોલ પંપ ઉપરથી પેટ્રોલ અને ડીઝલનું વેચાણ માત્ર વાહનોની ટાંકીઓમાં ભરવા પૂરતું સીમિત કરવામાં આવે તે સિવાય કોઈ પણ પાત્રમાં કે બેરલમાં પેટ્રોલ તથા ડીઝલનું વેચાણ કરી શકાશે નહીં.

આમ છતાં કોઈ વિક્રેતા કળત્રિમ અછત ઊભી કરવાનો પ્રયાસ કરશે, સંગ્રહખોરી કરશે અથવા તો બેરલમાં પેટ્રોલ કે ડિઝલ ભરી આપશે તો તેમની સામે આવશ્‍યક ચીજ વસ્‍તુ અધિનિયમ ૧૯૫૫ ની જોગવાઈ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

જોકે પેટ્રોલ પંપ સંચાલકો સંગ્રહ નથી કરતા પરંતુ લોકો ડીઝલના બેરલ ભરી સંગ્રહ કરી રહ્યા હોવાનું એક પેટ્રોલ પંપ સંચાલકે જણાવ્‍યું હતું પેટ્રોલ પંપ સંચાલકો તો દરેક વાહન ચાલકને જોઈએ તેટલુ સ્‍ટોક હોય ત્‍યા સુધી ભરી આપે છે.

રાજ્‍ય સરકાર તેમજ જુદી જુદી કંપનીના સંચાલકો દ્વારા પણ પેટ્રોલ ડીઝલનો જથ્‍થો પર્યાપ્ત માત્રામાં છે તેવું ગઈકાલથી જણાવતા હોવા છતાં લોકો હાલ પેટ્રોલ-ડીઝલ પુરાવવા ખોટી લાઈનો લગાવી રહ્યા છે.

પુરવઠા વિભાગના એક અધિકારીના જણાવ્‍યા મુજબ દરેક પેટ્રોલ પંપ સંચાલકને કડક સૂચના આપવામાં આવી છે કે બેરલમાં કે બીજા પાત્રમાં પેટ્રોલ-ડીઝલનો પુરવઠો ભરી આપવો નહીં આમ છતાં કોઈ ભરતા માલુમ પડશે તો તેમની સામે પગલાં લેવામાં આવશે.

(11:33 AM IST)