તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th March 2026
અમદાવાદના દસક્રોઈમાં SMCની મોટી કાર્યવાહી :રામાપીર મંદિર પાસે ટ્રકમાંથી 92 લાખનો દારૂ સહીત 1.35 કરોડનો મુદ્દામાલ જપ્ત
દરોડા દરમિયાન કુલ 25,793 બોટલો વિદેશી દારૂ મળી: મુખ્ય સૂત્રધારો સહિત ત્રણની ધરપકડ:અન્ય 9 આરોપીઓ પોલીસને જોઈને ફરાર થઈ ગયા

અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દારૂના વેપલા પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. છાવલજ ગામમાં રામાપીર મંદિર જેવા પવિત્ર સ્થળ પાસે ઉભેલી ટ્રકમાંથી લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. રાજ્યમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે બુટલેગરો દ્વારા અપનાવવામાં આવેલી નવી પેંતરાબાજીનો પોલીસે પર્દાફાશ કર્યો છે અને મુખ્ય સૂત્રધારો સહિત ત્રણની ધરપકડ કરી છે.
સ્ટેટ મોનિટરિંગ સેલને ચોક્કસ બાતમી મળી હતી કે કણભા પોલીસ સ્ટેશનની હદમાં આવતા છાવલજ ગામ પાસે મોટા પાયે દારૂનું કટિંગ થવાનું છે. આ બાતમીના આધારે પોલીસે રામાપીર મંદિર નજીક વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન ત્યાં ઉભેલી શંકાસ્પદ ટ્રકની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ટ્રકમાં ગુપ્ત ખાનાઓ અને આડશ ઉભી કરીને વિદેશી દારૂની હજારો બોટલો છુપાવવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, આ દરોડા દરમિયાન કુલ 25,793 બોટલો વિદેશી દારૂ મળી આવ્યો છે, જેની બજાર કિંમત આશરે 92.90 લાખ રૂપિયા જેટલી થાય છે. આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને અમદાવાદના કયા કયા વિસ્તારોમાં સપ્લાય કરવાનો હતો તે દિશામાં હવે પોલીસે તપાસ તેજ કરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ જથ્થો અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં ઘુસાડવામાં આવ્યો હોવાનું જણાય છે.
દારૂના જથ્થા ઉપરાંત પોલીસે ઘટનાસ્થળેથી 6 વાહનો ( ટ્રક અને અન્ય લક્ઝરી કારનો સમાવેશ), 4 મોબાઈલ ફોન અને રોકડ રકમ પણ કબજે કરી છે. જપ્ત કરાયેલા તમામ મુદ્દામાલની કુલ કિંમત 1.35 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. આ મામલે પોલીસે સ્થળ પરથી બીયારામ ચૌધરી, આનંદ શાહ અને દિનેશ ઝાલા નામના ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. જોકે, આ ગુનામાં સંડોવાયેલા અન્ય 9 આરોપીઓ પોલીસને જોઈને ફરાર થઈ ગયા છે, જેમને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
કણભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આટલો મોટો દારૂનો જથ્થો ઉતરી રહ્યો હતો અને સ્થાનિક પોલીસ અજાણ હતી, તે બાબત હવે ચર્ચાનો વિષય બની છે. સ્ટેટ મોનિટરિંગ સેલની આ સફળ કામગીરી બાદ હવે સ્થાનિક પોલીસ તંત્રમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. ફરાર થયેલા 9 આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ ઘટના દર્શાવે છે કે બુટલેગરો ધાર્મિક સ્થળોની આસપાસની જગ્યાનો ઉપયોગ કરીને પોલીસની નજરથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ SMCની સતર્કતાએ તેમના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે.
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
