<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓ.બી.સી. વિભાગ દ્વારા ‘અમારે જોઈએ છે ન્‍યાય' અભિયાન અંતર્ગત Q.R કોડ લોન્‍ચઃ ડો. મહેશ રાજપૂતે પછાત વર્ગના ઉત્‍થાન માટે સંગઠિત થવા આહવાન કર્યું

રાજયની ૫૩ ટકા વસ્‍તી ધરાવતી ૧૪૬ ઓ.બી.સી. જ્ઞાતિઓને અન્‍યાય અને ભ્રષ્ટાચાર સામે જોડવા ‘પરિવર્તનનો સંકલ્‍પ, કોંગ્રેસ જ વિકલ્‍પ'નો નારોઃ શિક્ષણ અને રોજગારના હક્કો માટે લડત તેજ કરાશે

રાજકોટઃગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓ.બી.સી. (OBC) વિભાગના ચેરમેન ડો. મહેશ રાજપૂતે પછાત વર્ગને સતત થઈ રહેલા અન્‍યાયને દૂર કરવા અને સમાજમાં એકતા સ્‍થાપિત કરવાના હેતુથી એક વિશેષ ઝુંબેશનો પ્રારંભ કર્યો છે. તેમણે ઓ.બી.સી.સમાજના લોકોને કોંગ્રેસની વિચારધારા સાથે જોડાઈને ન્‍યાય માટેના આ યજ્ઞમાં સહભાગી થવા જાહેર અપીલ કરી છે.

ડિજિટલ અભિયાન અને ક્‍યુ.આર. કોડઃ

મહેશ રાજપૂતે‘‘પરિવર્તનનો સંકલ્‍પ, કોંગ્રેસ જ વિકલ્‍પ'' નારા સાથે એક ક્‍યુ.આર. કોડ જાહેર કર્યો છે. આ કોડ સ્‍કેન કરવાથી મોબાઈલમાં એક ફોર્મ આવશે, જેમાં ઓ.બી.સી. સમાજના લોકોએ પોતાની વિગતો ભરીને સબમિટ કરવાની રહેશે.

આ ફોર્મમાં દરેક વ્‍યક્‍તિ પક્ષ માટે શું સેવા આપવા માંગે છે તેનો પણ ઉલ્લેખ કરવાનો રહેશે, જેથી જવાબદારીઓની યોગ્‍ય વહેંચણી કરી શકાય.

વસ્‍તીના આંકડા અને અન્‍યાય સામે અવાજઃ

સમાજને સંગઠિત કરવા માટેના આ પ્રયાસમાં તેમણે જણાવ્‍યું હતું કે, ગુજરાતમાં ઓ.બી.સી. સમાજની વસ્‍તી ૫૩ ટકાથી વધુ છે, જેમાં ૧૪૬ જેટલી વિવિધ જ્ઞાતિઓનો સમાવેશ થાય છે. ૧૯૩૧ની છેલ્લી જાતિ આધારિત વસ્‍તી ગણતરી મુજબ આ આંકડા સામે આવ્‍યા છે, જે બાદ ક્‍યારેય સત્તાવાર ગણતરી થઈ નથી. તેમણે આક્ષેપ કર્યો હતો કે સરકારની અન્‍યાયી નીતિઓને લીધે સમાજની યુવા પેઢીને શિક્ષણ અને રોજગાર મેળવવામાં ભારે અન્‍યાય સહન કરવો પડે છે. ગુજરાતના વિકાસને સાચી દિશા આપવા અને વ્‍યાપી ગયેલા ભ્રષ્ટાચાર સામે લડવા માટે સમાજનું સંગઠિત થવું અનિવાર્ય છે.

રાજકીય આગેવાનોની ઉપસ્‍થિતિઃ

રાજકોટ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સેક્રેટરી અને પૂર્વ ધારાસભ્‍ય ઋત્‍વીકભાઈ મકવાણા, પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્‍ય વિક્રમભાઈ માડમ તેમજ પૂર્વ કાર્યકારી ચેરમેન રમેશભાઈ દેસાઈ (રબારી) સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. કોંગ્રેસના આ અભિયાન દ્વારા પછાત વર્ગના અધિકારો માટે બુલંદ અવાજ ઉઠાવવાની નેમ વ્‍યક્‍ત કરવામાં આવી છે. 

(2:53 PM IST)