News of Tuesday, 24th March 2026
ગુજરાત વિધાનસભામાં 'સમાન નાગરિક સંહિતા' વિધેયક પર હર્ષભાઈ સંઘવીનું ગર્જનામય સંબોધન : "એક દેશ, એક કાયદો"ના મંત્ર સાથે નારી શક્તિના સન્માનનો ઐતિહાસિક નિર્ધાર
ચૈત્રી નવરાત્રીના પવિત્ર પર્વે લાખો માતા-બહેનોના આંસુ લૂછવા સરકારનું 'યુગાંતરકારી કદમ' : આદિવાસી સમાજની પરંપરાઓને કાયદામાંથી સંપૂર્ણ મુક્તિ અને ૨૦ લાખ નાગરિકોના અભિપ્રાય બાદ તૈયાર થયેલું બિલ ગૃહમાં રજૂ

ગાંધીનગર:ગુજરાત વિધાનસભામાં "ધ યુનિફોર્મ સિવિલ કોડ ગુજરાત-૨૦૨૬" વિધેયક પરની ચર્ચામાં સહભાગી થતા કાયદા મંત્રી હર્ષભાઈ સંઘવીએ એક અત્યંત પ્રભાવશાળી ઉદબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે સમગ્ર રાજ્યમાં આદ્યશક્તિની આરાધનાનું પર્વ ચૈત્રી નવરાત્રી ચાલી રહ્યું છે, ત્યારે નારી શક્તિને સશક્ત બનાવતું આ બિલ રજૂ થવું એ એક અદભુત સંજોગ છે. હર્ષભાઈ સંઘવીએ આ વિધેયકને આવનારી સદીઓ સુધી યાદ રાખવા જેવું 'યુગાંતરકારી કદમ' ગણાવ્યું હતું.
રાષ્ટ્રીય એકીકરણનો અંતિમ યજ્ઞ: વન નેશન, વન સિવિલ લૉ
હર્ષભાઈ સંઘવીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થયેલા વિવિધ એકીકરણના કાર્યો જેવા કે જીએસટી (વન ટેક્સ), વન રાશન કાર્ડ, વન હેલ્થ કાર્ડ અને વન ગ્રીડનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, રાષ્ટ્રીય એકીકરણના આ મહાન યજ્ઞમાં હવે 'વન નેશન, વન સિવિલ લૉ'ની આહુતિ બાકી છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે જો દેશમાં ગુનાખોરી માટેનો ક્રિમિનલ કાયદો તમામ ધર્મો માટે સમાન હોય, તો દીકરીઓના લગ્ન, છૂટાછેડા અને મિલકતના અધિકાર માટે ધર્મના આધારે અલગ કાયદા કેમ હોવા જોઈએ?
બંધારણીય ઈતિહાસ અને ડૉ. બાબાસાહેબ આંબેડકરનું વિઝન:
ઐતિહાસિક પૃષ્ઠભૂમિ આપતા તેમણે જણાવ્યું હતું કે, અંગ્રેજોએ "ભાગલા પાડો અને રાજ કરો"ની નીતિ હેઠળ પર્સનલ લો ને અલગ રાખ્યા હતા. બંધારણ સભામાં ડૉ. બાબાસાહેબ આંબેડકર, કનૈયાલાલ મુનશી અને અલ્લાદી કૃષ્ણસ્વામી ઐયર જેવા મહાનુભાવોએ સમાન નાગરિક ધારાની હિમાયત કરી હતી. બંધારણના આર્ટિકલ-૪૪ માં પણ રાજ્યને આ માટે પ્રયાસ કરવા દિશાસૂચન અપાયું છે. હર્ષભાઈ સંઘવીએ ઉમેર્યું હતું કે, ભૂતકાળમાં વોટબેંકની રાજનીતિને કારણે આ કાયદો અભેરાઈએ ચડાવી દેવાયો હતો, પરંતુ હવે ગુજરાત સરકારે આ બીડું ઝડપ્યું છે.
વૈશ્વિક અને રાષ્ટ્રીય સ્તરે સમાન કાયદાનું મોડેલ:
વિશ્વના વિકસિત દેશો જેવા કે ફ્રાન્સ (૧૮૦૪), જર્મની (૧૯૦૦), તુર્કી, નેપાળ અને અઝરબૈજાનના ઉદાહરણો આપીને તેમણે સમજાવ્યું હતું કે પ્રગતિશીલ રાષ્ટ્રોમાં સમાન સિવિલ કોડ અનિવાર્ય છે. ભારતમાં પણ ગોવા અને ઉત્તરાખંડ બાદ ગુજરાત આ દિશામાં મક્કમ ડગલાં માંડી રહ્યું છે. કોંગ્રેસ પક્ષ પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, ૭૦ વર્ષ પહેલા જ્યારે બાબાસાહેબ મહિલાઓને સમાન હક આપવા કાયદો લાવ્યા હતા, ત્યારે પણ નહેરુની સરકારે 'સમય પાક્યો નથી' તેવું બહાનું કાઢ્યું હતું, જેના કારણે બાબાસાહેબે રાજીનામું આપવું પડ્યું હતું.
૨૦ લાખ સૂચનો અને જનતાનો પ્રચંડ પ્રતિસાદ:
જસ્ટિસ દેસાઈ સમિતિને મળેલા જનતાના અભિપ્રાયોના આંકડા રજૂ કરતા હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે:
* લગ્નની સમાન જોગવાઈઓ માટે ૮૧% લોકોનું સમર્થન.
* છૂટાછેડાના સમાન કાયદા માટે ૭૯% લોકોની મહોર.
* મહિલાઓ સાથેનો ભેદભાવ દૂર કરવા માટે ૮૩% લોકોનો મત.
* લગ્ન અને છૂટાછેડાની નોંધણી ફરજિયાત કરવા માટે ૮૬% લોકોની સંમતિ.
* સ્ત્રી-પુરુષને સમાન મિલકત અધિકાર માટે ૮૩% લોકોનો ટેકો.
આદિવાસી સમાજના હિતોનું ૧૦૦% રક્ષણ:
રાજ્યના આદિવાસી ભાઈ-બહેનોને ખાતરી આપતા હર્ષભાઈ સંઘવીએ સ્પષ્ટ કર્યું હતું કે, બંધારણના આર્ટિકલ ૩૬૬(૨૫) હેઠળ આવતી તમામ અનુસૂચિત જનજાતિઓને આ કાયદામાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. આ કાયદો આદિવાસી સમાજના લગ્ન, વારસા કે પરંપરાગત રીત-રિવાજોમાં કોઈ જ દખલગીરી કરશે નહીં. અંતમાં તેમણે અમિતભાઈ શાહના શબ્દોને દોહરાવતા કહ્યું હતું કે, યુસીસી કોઈ ધર્મની વિરુદ્ધ નથી, પરંતુ તમામ નાગરિકો માટે સમાનતા અને ન્યાયની તરફેણમાં છે. ઉદબોધનના અંતે તેમણે "જો તુફાનોં મેં પલતે જા રહે હૈં, વહી દુનિયા બદલતે જા રહે હૈં" પંક્તિઓ દ્વારા સરકારના મક્કમ નિર્ધારને વ્યક્ત કર્યો હતો.
(8:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
