<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

સસ્પેન્શનની દરખાસ્ત અને ભારે દબાણ બાદ અંતે ગોપાલ ઈટાલિયાએ ગૃહમાં કરેલા ખોટા આક્ષેપો બદલ માફી માંગી

વિધાનસભામાં લગ્ન નોંધણી સુધારા મુદ્દે હર્ષભાઇ સંઘવી અને ગોપાલ ઈટાલિયા વચ્ચે વિવાદ થયો:ઇટાલિયાએ નાયબ મુખ્યમંત્રીના નામે ખોટી માહિતી રજૂ કરતા અધ્યક્ષે તેમને ટોક્યા હતા.

ગાંધીનગર :ગુજરાત વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન લગ્ન નોંધણીના કાયદામાં સુધારા મુદ્દે ભારે ગરમાગરમી જોવા મળી હતી. ગૃહમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સામસામે આવી ગયા હતા. આ વિવાદ એટલો વકર્યો હતો કે અંતે ગોપાલ ઈટાલિયાએ ગૃહની માફી માંગવી પડી હતી.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, સરકાર લગ્ન નોંધણીનો કોઈ નવો કાયદો નથી લાવી રહી, પરંતુ માત્ર હાલની પ્રક્રિયામાં સુધારણા કરી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, "અમે માત્ર લગ્ન નોંધણી પ્રક્રિયામાં સુધારણા કરી રહ્યા છીએ, જેમાં માતા-પિતાની પરવાનગી અંગેના પાસાઓનો સમાવેશ થાય છે. આ સુધારણા વહેલી તકે અમલી બનશે જ." વધુમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ સુધારાને સમાન નાગરિક સંહિતા સાથે કોઈ લેવાદેવા નથી.

 

ચર્ચા દરમિયાન ગોપાલ ઈટાલિયાએ આક્ષેપ કર્યો હતો કે નાયબ મુખ્યમંત્રીએ અગાઉ એવું નિવેદન આપ્યું હતું કે લગ્નનું રજીસ્ટ્રેશન જન્મ સ્થળ પર જ થશે. જોકે, વિધાનસભા અધ્યક્ષે રેકોર્ડ તપાસ્યા બાદ જણાવ્યું હતું કે, 'મેં રેકોર્ડ તપાસ્યો છે, તમે જે બાબત કહો છો તે રેકોર્ડ પર ક્યાંય નથી. નાયબ મુખ્યમંત્રીએ આવું કોઈ નિવેદન આપ્યું નથી.' આમ, ઈટાલિયાએ ગૃહમાં ખોટી માહિતી આપી હોવાનું સાબિત થયું હતું.

 

ગોપાલ ઈટાલિયા દ્વારા ખોટી માહિતી રજૂ કરવામાં આવતા સંસદીય કાર્ય મંત્રીએ  તેમના સસ્પેન્શનની દરખાસ્ત મૂકી હતી. સરકારે ચીમકી આપી હતી કે જો તેઓ માફી નહીં માંગે તો તેમને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવશે. અંતે, અધ્યક્ષની સૂચના અને ગૃહની મર્યાદા જાળવવા ગોપાલ ઈટાલિયાએ પોતાના શબ્દો પાછા ખેંચી માફી માંગી હતી.

(12:06 AM IST)