<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

બારડોલી-સુરત હાઈવે પર એસટી બસની જોરદાર ટક્કરથી ફોર્ચ્યુનર કાર ટ્રક પાછળ ઘૂસી ગઈ : ગમખ્વાર અકસ્માતમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ

સુરતથી બારડોલી તરફ આવી રહેલી બસના ચાલકે કાબૂ ગુમાવતા સર્જાયેલી ત્રિપલ અકસ્માતની ઘટનામાં કારનો કુરચો બોલી ગયો : ટાઉન પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

બારડોલી: : સુરત જિલ્લાના બારડોલી-સુરત હાઈવે પર આજે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એસટી બસ, ફોર્ચ્યુનર કાર અને ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત થતા અફરાતફરી મચી ગઈ હતી. પૂરપાટ ઝડપે આવી રહેલી એસટી બસે ફોર્ચ્યુનર કારને પાછળથી એટલી જોરદાર ટક્કર મારી હતી કે કાર આગળ જઈ રહેલા ટ્રકના પાછળના ભાગમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી. સદનસીબે આ ગંભીર અકસ્માતમાં કારમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો છે અને કોઈ જાનહાનિ નોંધાઈ નથી.

પૂરપાટ ઝડપે આવતી બસે સર્જ્યો અકસ્માત:
પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર, સુરતથી બારડોલી તરફ આવી રહેલી એસટી બસના ચાલકે બસ પૂરપાટ ઝડપે હંકારી રહ્યો હતો. આ દરમિયાન હાઈવે પર આગળ જઈ રહેલી એક ફોર્ચ્યુનર કારને બસે પાછળના ભાગેથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને ફોર્ચ્યુનર કાર આગળ જતી ટ્રકના પાછળના ભાગે જોરદાર રીતે ભટકાઈ હતી. અકસ્માતના પગલે હાઈવે પર જોરદાર અવાજ થતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

કારને ભારે નુકસાન - જાનહાનિ ટળી:
આ અકસ્માતમાં ફોર્ચ્યુનર કાર બે વાહનો વચ્ચે સેન્ડવિચ બની જતા તેને ભારે નુકસાન થયું છે અને કારનો કુરચો બોલી ગયો છે. જોકે, ચમત્કારિક રીતે કારમાં સવાર કોઈ પણ વ્યક્તિને ગંભીર ઈજા કે જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતા જ બારડોલી ટાઉન પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માતને કારણે હાઈવે પર જામ થયેલા ટ્રાફિકને હળવો કરાવી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. હાલ પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.

આગામી સમયમાં આ અકસ્માત અંગેના વધુ પુરાવા મેળવી બસ ચાલક વિરુદ્ધની તપાસ તેજ કરવામાં આવશે.

(9:32 AM IST)