તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 25th March 2026
સુરત જિલ્લા LCBનો પરબ ગામે મોટો દરોડો : ગેસ સિલિન્ડરના કાળાબજારના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ કરી ₹34.18 લાખનો મુદ્દામાલ જપ્ત
યુદ્ધની સ્થિતિમાં સર્જાયેલી અછતનો ફાયદો ઉઠાવી ₹1000નો બાટલો ₹2350માં વેચતા રાજસ્થાની ગેંગના 8 સાગરીતો ઝડપાયા : મહારાષ્ટ્રથી આવતો જથ્થો બારોબાર ડાયવર્ટ કરનાર મુખ્ય સૂત્રધાર કનૈયાલાલ કલાલ ફરાર

સુરત: : ઈરાન, અમેરિકા અને ઈઝરાઈલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે સર્જાયેલી ગેસ સિલિન્ડરની અછતનો ગેરફાયદો ઉઠાવી કાળાબજાર કરતા તત્વો પર સુરત જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ લાલઆંખ કરી છે. દક્ષિણ ગુજરાત રેન્જ આઈજી પ્રેમવીરસિંહ અને સુરત જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશભાઈ ગઢિયાની સૂચના હેઠળ એલસીબી ઇન્સ્પેક્ટર આર.બી. ભટોળની ટીમે કામરેજ તાલુકાના પરબ ગામે 'ઓમ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ'માં દરોડો પાડી ગેસના ગેરકાયદે વેચાણના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સ્થળ પરથી આઠ આરોપીઓની ધરપકડ કરી કુલ ₹34,18,622ની મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
બાતમીના આધારે 'ઓમ ઇન્ડસ્ટ્રીયલ'માં દરોડો:
એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે પરબ ગામની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસને ઘટનાસ્થળેથી 229 ભરેલા અને 153 ખાલી ગેસના બાટલા મળી આવ્યા હતા. આ સાથે જ બે આઇશર ટેમ્પો, એક છોટા હાથી, મોપેડ, બાઇકો, મોબાઈલ ફોન અને રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેસનો જથ્થો મહારાષ્ટ્રના પાલઘર સ્થિત 'કોન્ફિડન્સ પેટ્રોલિયમ ઇન્ડિયા લિમિટેડ'માંથી લાવવામાં આવ્યો હતો. નિયમ મુજબ આ જથ્થો પરબ, વેલંજા અને અંકલેશ્વરના ગ્રાહકોને પહોંચાડવાનો હતો, પરંતુ વધુ નફાની લાલચમાં તેને બારોબાર વેચવામાં આવી રહ્યો હતો.
બમણાથી વધુ ભાવે થતું વેચાણ:
આરોપીઓ ગેસની અછતનો લાભ લઈ સામાન્ય રીતે ₹900 થી ₹1000 માં મળતા બાટલાને જરૂરિયાતમંદ લોકો સમક્ષ ₹2350 ના તોતિંગ ભાવે વેચતા હતા. રામદેવ ગેસ એજન્સીના દેવાલાલ કલાલે તેના શેઠ કનૈયાલાલના કહેવાથી આ આખો જથ્થો ડાયવર્ટ કર્યો હોવાનું ખુલ્યું છે. પકડાયેલા મોટાભાગના આરોપીઓ રાજસ્થાનના વતની છે અને તેઓ વાસણની દુકાન કે ડ્રાઇવિંગના ઓઠા હેઠળ આ કાળો કારોબાર ચલાવતા હતા.
ઝડપાયેલા આરોપીઓની યાદી
પોલીસે સ્થળ પરથી આઠ શખ્સોને ઝડપી પાડ્યા છે, જેમાં:
૧. ગોરખ જગતાપ (ડ્રાઇવર, નાસિક)
૨. દેવાલાલ કલાલ (પરબ)
૩. પવનકુમાર મેવાડા
૪. સંપતરાજ મેવાડા
૫. નિર્મલકુમાર મેવાડા
૬. અનમોલ રાવ
૭. વિષ્ણુ રાવ
૮. સંતોષ કલાલ
આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર કનૈયાલાલ ભંવરલાલ કલાલ હાલ પોલીસ પકડથી દૂર હોવાથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. એલસીબીએ તમામ આરોપીઓ અને મુદ્દામાલ કામરેજ પોલીસને સોંપી વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ કામગીરીથી ગેસના કાળાબજાર કરતા માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
(9:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
