News of Wednesday, 25th March 2026
CBSEના ધોરણ-૯ના વિદ્યાર્થીઓએ પુસ્તક વગર અભ્યાસ શરૂ કરવો પડશે
એપ્રિલથી સ્કૂલોમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવાનો છે ત્યારે હજુ પુસ્તકના ઠેકાણા નથી

અમદાવાદ,તા.૨૫: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) સ્કૂલોમાં નવુ શૈક્ષણિક સત્ર શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ધોરણ-૯ના વિદ્યાર્થીઓના શિક્ષણને લઈને મોટો પ્રશ્ન ઉભો થયો છે. નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિગ (NCERT) દ્વારા હજુ સુધી ધોરણ-૯ના પાઠ્ય પુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યા ન હોવાથી વિદ્યાર્થીઓને પુસ્તક વગર જ અભ્યાસ શરૂ કરવાની સ્થિતી સર્જાઈ છે. ૧ એપ્રિલથી ઘ્ગ્લ્ચ્ સ્કૂલોમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવાનો છે ત્યારે ટૂંકા ગાળામાં પુસ્તકો પુરા પાડવા પણ શક્ય નથી. જેથી શરૂઆતનો સમયગાળો વિદ્યાર્થીઓ પુસ્તક વગર જ અભ્યાસ કરશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સમગ્ર દેશમાં નેશનલ એજ્યુકેશન પોલીસી-૨૦૨૦ અને નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક- ૨૦૨૩ હેઠળ નવા પાઠ્ય પુસ્તકો તૈયાર થઈ રહ્યા છે. શિક્ષણ પદ્ધતિમાં ગુણવત્તાસભર સુધારા લાવવા માટે આ નીતિઓ અમલમાં મુકાઈ રહી છે, પરંતુ પુસ્તકો તૈયાર કરવાની પ્રક્રિયા પૂર્ણ ન થતાં પ્રકાશનમાં મોડું પડી રહ્યું છે. હાલ ફઘ્ચ્ય્વ્ દ્વારા માત્ર ડ્રાફટ સિલેબસ જ ઓનલાઈન મૂકવામાં આવ્યો છે અને શાળાઓને ડ્રાફટ સિલેબસના આધારે અભ્યાસ શરૂ કરવા સૂચના આપવામાં આવી છે, છતાં સંપૂર્ણ પાઠ્યપુસ્તકો વિના અભ્યાસ શરૂ કરવો શિક્ષકો માટે પડકારજનક બનશે.
ઘણી શાળાઓએ તાત્કાલિક ઉકેલ તરીકે જૂના પુસ્તકો, નોટ્સ અથવા આંતરિક અભ્યાસ સામગ્રીના આધારે શિક્ષણ શરૂ કરવાની તૈયારી દર્શાવી છે, પરંતુ શિક્ષણવિદોનું માનવું છે કે આ સ્થિતિ લાંબા ગાળે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર કરી શકે છે. આ સાથે ફઘ્ચ્ય્વ્ દ્વારા નવા પુસ્તકો તબક્કાવાર રીતે અમલમાં મુકવાની યોજના પણ અપનાવવામાં આવી છે, જેમાં ધોરણ ૧થી ૮ સુધીના પુસ્તકો તૈયાર કરી દેવામાં આવ્યા છે અને હાલમાં પ્રિન્ટ અને ડીઝીટલ ફોર્મેટમાં ઉપલબ્ધ છે. જ્યારે ધોરણ-૯ માટેના પુસ્તકો તૈયાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને શૈક્ષણિક સત્ર ૨૦૨૬-૨૭થી મળી રહેશે તેવો દાવો કરવામાં આવ્યો છે. પરંતુ હવે સત્ર શરૂ થવાના આડે માંડ એક સપ્તાહ જેટલો જ સમય બાકી રહ્યો છે ત્યારે પુસ્તકો સમયસર મળવા મુશ્કેલ જણાય છે.
ધોરણ-૯ના પુસ્તકો તૈયાર થઈ રહ્યા છે ત્યારે NCERT દ્વારા વેબસાઈટ પર ડ્રાફટ સિલેબસ મુકી દેવામાં આવ્યો છે. જેથી શૈક્ષણિક સત્ર શરૂ થયા બાદ સ્કૂલો આ ડ્રાફટ સિલેબસના આધારે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી શકશે તેમ સુત્રોએ જણાવ્યું હતું. જ્યારે ધોરણ-૧૦ અને ૧૧ના પુસ્તકો નવા શૈક્ષણિક વર્ષે બદલાશે નહીં. ધોરણ-૧૦ અને ૧૧ના પુસ્તકો શૈક્ષણિક વર્ષ ૨૦૨૭-૨૮થી અમલમાં આવશે તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે. જેથી હાલમાં આ બંને ધોરણના જે પુસ્તકો અભ્યાસમાં છે તે જ પુસ્તકોને ચાલુ રાખવાનું નક્કી કરાયું છે.
તાજેતરમાં NCERTના કેટલાક પુસ્તકોને લઈને ઊભા થયેલા વિવાદો પણ આ વિલંબ પાછળનું એક કારણ માનવામાં આવે છે. ખાસ કરીને ધોરણ-૮ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં થયેલી ભૂલો અને વિવાદાસ્પદ મુદ્દાઓને કારણે પુસ્તકો પાછા ખેંચવાના બનાવોએ સંસ્થાની પ્રક્રિયા પર પ્રશ્નો ઉભા કર્યા હતા, જેના પરિણામે નવા પુસ્તકો વધુ તપાસ અને સુધારા સાથે તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ સમગ્ર પરિસ્થિતિને કારણે શાળા સંચાલકો અને વાલીઓમાં ચિતા વધી રહી છે. શાળાઓનું માનવું છે કે પુસ્તકો વિના સત્ર શરૂ થવાથી અભ્યાસની ગુણવત્તા પર અસર પડશે, જ્યારે વાલીઓ બાળકોના ભવિષ્યને લઈને ચિતિત બન્યા છે, કારણ કે અભ્યાસક્રમ અને પરીક્ષા પદ્ધતિ અંગે સ્પષ્ટતા નથી.
(10:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
