<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

ગુજરાતમાં UCC વિધેયક પસાર થતા 'એક રાષ્ટ્ર, એક કાયદો'નો સંકલ્પ સાકાર : ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પાઠવ્યા અભિનંદન

જનસંઘના સમયના વૈચારિક અધિષ્ઠાન અને દાયકાઓના સંઘર્ષનું સુખદ પરિણામ : વિપક્ષની તુષ્ટિકરણની રાજનીતિ સામે ભાજપાની 'રાષ્ટ્ર પ્રથમ'ની ભાવનાનો વિજય અને માતૃશક્તિ માટે ઐતિહાસિક દિવસ

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલ પસાર થવા પર ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ હર્ષની લાગણી વ્યક્ત કરતા આ દિવસને ગુજરાતની માતૃશક્તિ માટે ઐતિહાસિક ગણાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મક્કમ નિર્ધારને કારણે ગુજરાત 'એક રાષ્ટ્ર, એક કાયદો'ના સંકલ્પને સાકાર કરનારું ઉત્તરાખંડ બાદ દેશનું બીજું રાજ્ય બન્યું છે. આ નિર્ણય કોઈ અચાનક લેવાયેલું પગલું નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટીના દાયકાઓના સંઘર્ષ, ત્યાગ અને પરિશ્રમનું પરિણામ છે.

વૈચારિક સંકલ્પોની પૂર્તિ અને વિસંગતતાઓનો અંત:
જગદીશભાઈ વિશ્વકર્માએ વિગતો આપતા કહ્યું હતું કે, જનસંઘની સ્થાપના બાદ ૧૯૫૨ની પ્રથમ કારોબારીમાં ત્રણ મુખ્ય ઠરાવો કરવામાં આવ્યા હતા: કલમ ૩૭૦ની નાબૂદી, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ અને સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવી. આજે આ ત્રણેય સંકલ્પો પૂર્ણ થયા છે. અત્યાર સુધી લગ્ન, વારસાઈ, દત્તક વિધાન, છૂટાછેડા અને વાલીપણું જેવી બાબતોમાં ધર્મ અને જ્ઞાતિ મુજબ અલગ-અલગ કાયદા હતા, જેના કારણે અનેક વિસંગતતાઓ સર્જાતી હતી. UCCના અમલથી હવે દરેક નાગરિકને કોઈપણ ભેદભાવ વગર સમાન અધિકાર મળશે.

વિપક્ષની તુષ્ટિકરણની રાજનીતિ પર પ્રહાર:
વિપક્ષ પર આકરા પ્રહાર કરતા જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, દાયકાઓ સુધી કોંગ્રેસ અને અન્ય પક્ષોએ માત્ર વોટબેંક અને તુષ્ટિકરણની રાજનીતિ માટે UCCનો વિરોધ કર્યો હતો. જે લોકો એવું કહેતા હતા કે કલમ ૩૭૦ હટશે તો લોહીની નદીઓ વહેશે, તેમની આજે બોલતી બંધ થઈ ગઈ છે. ભાજપા 'રાષ્ટ્ર પ્રથમ' અને 'સબકા સાથ, સબકા વિકાસ અને સબકા ન્યાય'ના મંત્ર સાથે કામ કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે જો નીતિ સાફ હોય અને નિયત અટલ હોય, તો કોઈપણ કાર્ય અશક્ય નથી.

બંધારણીય આદેશનું પાલન અને સામાજિક ન્યાય:
ભાજપા પ્રદેશ અધ્યક્ષે ભારપૂર્વક જણાવ્યું હતું કે ગુજરાત સરકારે બંધારણની કલમ ૪૪ના આદેશનું પાલન કરીને પ્રગતિશીલ ભારતનો પાયો મજબૂત કર્યો છે. UCC સામાજિક ન્યાય અને સમાનતા માટેનું એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે. જનતા સમક્ષ જે વચન આપવામાં આવ્યું હતું તે આજે પૂર્ણ થયું છે. આ ઐતિહાસિક નિર્ણય બદલ તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત સમગ્ર ગુજરાત સરકારનો આભાર માની અભિનંદન પાઠવ્યા હતા. (અહેવાલ: પ્રશાંત વાળા, પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ, ભાજપા ગુજરાત)

(11:50 AM IST)