<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

હવે વર્ષના અંતે જિલ્‍લા સ્‍તરે બાકી રહેતી ગ્રાન્‍ટ સરકારને પરત કરવાની ફરજ રહેશે નહીં

જિલ્‍લા ગ્રાન્‍ટ મુદ્દે રાજ્‍ય સરકારનો મોટો નિર્ણય : આ નિર્ણય સામાન્‍ય વહિવટ વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મારફતે અમલમાં આવ્‍યોઃ તેમાં ATVT, ધારાસભ્‍ય ગ્રાન્‍ટ અને વિકાસશીલ યોજનાઓ જેવી વિવિધ ગ્રાન્‍ટનો સમાવેશ થાય છે

અમદાવાદ,તા.૨૫: રાજ્‍ય સરકારે જિલ્‍લા કક્ષાએ મળતી વિવિધ ગ્રાન્‍ટને લઈને મહત્‍વપૂર્ણ નિર્ણય લીધો છે, જેનાથી વિકાસ કામોમાં ઝડપ આવવાની આશા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે. નવા નિર્ણય મુજબ, હવે વર્ષના અંતે જિલ્‍લા સ્‍તરે બાકી રહેતી ગ્રાન્‍ટ સરકારને પરત કરવાની ફરજ રહેશે નહીં. આ પહેલા જે રકમ ખર્ચાઈ ન હોય તે પરત કરવી પડતી હતી, પરંતુ હવે તે જ રકમનો ઉપયોગ બાકી રહેલા કામો પૂર્ણ કરવા માટે કરી શકાશે.

આ માટે સરકાર દ્વારા નવો પ્રબંધ કરવામાં આવ્‍યો છે, જેમાં બાકી રહેલી ગ્રાન્‍ટને DDO PLA એકાઉન્‍ટમાં જમા કરવામાં આવશે. ત્‍યારબાદ આ રકમનો ઉપયોગ આગળના સમયમાં અધૂરા કામોને પૂર્ણ કરવા માટે થઈ શકશે.

આ નિર્ણય સામાન્‍ય વહિવટ વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મારફતે અમલમાં આવ્‍યો છે. તેમાં ATVT, ધારાસભ્‍ય ગ્રાન્‍ટ અને વિકાસશીલ યોજનાઓ જેવી વિવિધ ગ્રાન્‍ટનો સમાવેશ થાય છે.

આ પગલાથી જિલ્‍લાઓમાં વિકાસ કાર્યમાં આવતી અડચણો ઘટશે અને સમયસર પ્રોજેક્‍ટ પૂર્ણ થઈ શકશે. સાથે સાથે, ફાળવેલી રકમનો વધુ અસરકારક ઉપયોગ પણ શક્‍ય બનશે. સરકારના આ નિર્ણયને સ્‍થાનિક સ્‍તરે વિકાસને ગતિ આપનાર અને પ્રણાલી વધુ લવચીક બનાવનાર પગલું તરીકે જોવામાં આવી રહ્યું છે.

(4:03 PM IST)