<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

ગુજરાત વિધાનસભામાં શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ સુધારા વિધેયક ૨૦૨૬ પસાર કરાયું

રાજ્યની તમામ પબ્લિક યુનિવર્સિટીઓના હજારો કર્મચારીઓને હવે ઘરઆંગણે ઝડપી અને સસ્તો ન્યાય મળી શકશે

રાજકોટ: ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના અંતિમ દિવસે શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ (સુધારા) વિધેયક-૨૦૨૬ કોઈપણ વિરોધ વિના સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે. શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા દ્વારા રજૂ કરાયેલા આ ઐતિહાસિક ખરડાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યની તમામ જાહેર યુનિવર્સિટીઓને ફરીથી ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ એક્ટ-૨૦૦૬ ના અધિકાર ક્ષેત્રમાં લાવવાનો છે. આ સુધારાથી ઉચ્ચ શિક્ષણ પ્રણાલીમાં ન્યાય, જવાબદારી અને કાર્યક્ષમતામાં ધરખમ વધારો થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૩ માં 'ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ એક્ટ' અમલમાં આવતા અગાઉના કાયદાઓ રદ થવાથી યુનિવર્સિટીઓ આ ટ્રિબ્યુનલના દાયરામાંથી બહાર થઈ ગઈ હતી. સત્તાવાર ડિજિટલ સમાચાર માધ્યમોના અહેવાલ અનુસાર, આ નવા સુધારા વિધેયકથી હવે યુનિવર્સિટીઓના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓના નોકરી, બદલી કે અન્ય સેવા સંબંધિત અને સંસ્થાકીય વિવાદોનું નિરાકરણ એક વિશેષ ટ્રિબ્યુનલ દ્વારા ખૂબ જ ઝડપી અને અસરકારક રીતે થઈ શકશે, જેથી સામાન્ય અદાલતો પરનું ભારણ ઘટશે.

આ કાયદાકીય સુધારામાં યુનિવર્સિટીઓની સ્વાયત્તતાનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત, ભવિષ્યમાં કોઈ નવી યુનિવર્સિટીને ટ્રિબ્યુનલમાં ઉમેરવા કે બાકાત કરવાની સત્તા રાજ્ય સરકારને સોંપવામાં આવી છે. આ નિર્ણયથી પ્રાથમિક શાળાથી લઈને યુનિવર્સિટી સુધીના હજારો કર્મચારીઓને પોતાના પ્રશ્નોના નિરાકરણ માટે હવે ઘરઆંગણે સસ્તી અને ઝડપી ન્યાય પ્રણાલી ઉપલબ્ધ બનશે, જેમાં તેઓ જાતે અથવા વકીલ મારફતે રજૂઆત કરી શકશે

(8:41 PM IST)