News of Thursday, 26th March 2026
હવે, સત્તામાં વધારોઃ મિલકતના રક્ષણ માટે કલેક્ટરોને ‘‘સુઓ મોટો'ની સત્તા
ગુજરાત વિધાનસભામાં અશાંત વિસ્તાર ધારા સુધારા વિધેયક-૨૦૨૬ ચર્ચા બાદ પસાર કરાયું : હવેથી મિલકતોનું અનૈચ્છિક સ્થળાંતર અટકશે, જરૂર પડ્યે ગિરો મૂકી લોન મેળવી શકાશે

અમદાવાદ તા.૨૬: રાજ્યમાં અશાંતધારા અધિનિયમ હેઠળ સ્થાવર મિલકતોની તબદિલી બાબતે સુધારા સૂચવતું સુધારા વિધેયક-૨૦૨૬ વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવ્યું હતું. આમ, હવેથી અશાંત વિસ્તાર નિર્દિષ્ટ વિસ્તાર તરીકે ઓળખાશે. આ તબક્કે મહેસૂલ રાજ્ય મંત્રી સંજયસિહ મહિડાએ જણાવ્યું હતું કે, ગુજરાત અશાંત વિસ્તારોમાંની સ્થાવર મિલકતની તબદિલી પર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાંની જગામાંથી ભાડુઆતોને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગેની જોગવાઈ કરવામાં આવી છે. આ સુધારાનો મુખ્ય ઉદ્દેશ નિર્દિષ્ટ વિસ્તારોમાં મિલકતોનું અનૈચ્છિક સ્થળાંતર રોકવાનો અને કાયદેસરના માલિકોના હિતોનું રક્ષણ કરવાનો છે.
તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા આ કાયદાને વધુ મજબૂત બનાવવા માટે આ મુજબના મહત્વના સુધારા અમલમાં મૂકવામાં આવ્યા છે. જેમાં, નારાજ વ્યક્તિના વ્યાપમાં વધારો કરાયો છે. હવેથી નિર્દિષ્ટ વિસ્તારમાં રહેતી કોઈ પણ વ્યક્તિ પોતાના હિતોના રક્ષણ માટે કલેક્ટર સમક્ષ રજૂઆત કરી શકશે. એવી જ રીતે, જે વિસ્તારમાં જાહેર વ્યવસ્થાનો ભંગ થવાની સંભાવના હોય, તેવા વિસ્તારને પણ કાયદાની જોગવાઈઓ અનુસાર નિર્દિષ્ટ વિસ્તાર જાહેર કરી શકાશે. આ ઉપરાંત કલેક્ટરની સત્તામાં વધારો કરાયો છે. જે મુજબ, મિલકતોના રક્ષણ માટે કલેક્ટર સુઓ મોટો અથવા કોઈપણ નારાજ વ્યક્તિની અરજી પર તપાસ કરી શકશે. જો મિલકતની તબદિલી વાંધાજનક જણાશે, તો કલેક્ટર તે મિલકત પોતાના કબજામાં લઈ શકશે.
આ સુધારા વિધેયક મુજબ, નાણાકીય સહાયની સુવિધા ઉભી કરવામાં આવી છે. લોકોની આર્થિક હાડમારી દૂર કરવા માટે નવી જોગવાઈ ઉમેરવામાં આવી છે. જે મુજબ નિર્દિષ્ટ વિસ્તારની વ્યક્તિ પોતાની મિલકત નાણાકીય સંસ્થાઓમાં ગિરો મૂકીને લોન કે સહાય મેળવી શકશે. નિર્દિષ્ટ વિસ્તાર જાહેર કરવા બાબતે વાસ્તવિક પરિસ્થિતિનો અભ્યાસ કરવા માટે ખાસ તપાસ ટીમ અને દેખરેખ તથા સલાહકાર સમિતિની ભૂમિકાને વધુ અસરકારક બનાવવામાં આવી છે
(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
