તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th March 2026
લિકર પરમિટ ધારકોમાં અમદાવાદ પ્રથમઃ સુરત બીજા ક્રમે
રાજ્યમાં કુલ ૩૩૦૦૦ દારૂ પરમિટઃ માત્ર અમદાવાદમાં જ ૧૪,૮૬૨ સક્રિય પરમિટધારકો છે. આ યાદીમાં સુરત બીજા ક્રમે છે, જ્યાં ૮,૬૨૨ લોકો પાસે પરમિટ છે

અમદાવાદઃ તા.૨૬: ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ તેમ છતાં સામે આવેલા આંકડા મુજબ, રાજ્યમાં ૩૩ હજાર પરમિટ ધારકો છે. રાજ્યમાં દારૂની પરમિટમાં અમદાવાદ પ્રથમ અને સુરત બીજા ક્રમે છે.
રાજ્ય વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, માત્ર અમદાવાદમાં જ ૧૪,૮૬૨ સક્રિય પરમિટધારકો છે. આ યાદીમાં સુરત બીજા ક્રમે છે, જ્યાં ૮,૬૨૨ લોકો પાસે પરમિટ છે. ૩૭૫૪ પરમિટધારકો સાથે વડોદરા ત્રીજા ક્રમે છે. આણંદમાં ૧,૬૧૧ અને કચ્છ ૧,૫૫૮ પરમિટધારકો છે.
બીજી તરફ, પાટણ જેવા જિલ્લાઓમાં માત્ર ૮૦ અને સાબરકાંઠામાં ૮૯ પરમિટધારકો છે. નવસારીમાં ૧૬૪ અને ગીર સોમનાથમાં ૧૯૬ લોકો પાસે પરમિટ છે.
છેલ્લા બે વર્ષમાં નવી પરમિટ આપવામાં પણ અમદાવાદ મોખરે રહ્યું છે, જ્યાં ૧,૧૪૬ નવી પરમિટ આપવામાં આવી છે, જ્યારે સુરતમાં ૧,૨૫૧ અને વડોદરામાં ૪૫૩ નવી પરમિટ ઇશ્યૂ કરવામાં આવી છે. રિન્યુઅલની વાત કરીએ તો, અમદાવાદમાં સૌથી વધુ ૬,૯૮૮ પરમિટ રિન્યુ થઈ છે, જ્યારે સુરતમાં ૫,૮૦૮ અને વડોદરામાં ૧,૬૭૧ પરમિટ રિન્યુ કરવામાં આવી છે.
આ આંકડાઓમાં સૌથી ચોંકાવનારી બાબત રદ કરાયેલી પરમિટની ઓછી સંખ્યા છે. તમામ જિલ્લાઓ મળીને છેલ્લા બે વર્ષમાં માત્ર ૩૦ પરમિટ રદ કરવામાં આવી છે. જેમાંથી અમદાવાદમાં ૨૪ અને સુરતમાં માત્ર ૨ પરમિટ રદ થઈ છે, જ્યારે વડોદરામાં એક પણ પરમિટ રદ થઈ નથી. આ દર્શાવે છે કે એકવાર પરમિટ મળી ગયા પછી તે ભાગ્યે જ પાછી ખેંચવામાં આવે છે.
ઉલ્લેખનીય છે ગુજરાત વિધાનસભામાં થોડા દિવસ પહેલા જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ અમદાવાદ સિવિલમાં હેલ્થ લિકર પરમિટનો પ્રશ્ન પૂછ્યો હતો. તેમણે પૂછ્યું કે, ૨૦-૦૧-૨૦૨૬ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં અમદાવાદ સિવિલમાં હેલ્થ લિકર પરમીટની કેટલી ભલામણો આવી, તેમાંથી કેટલી ભલામણો મંજૂર કરવામાં આવી અને કેટલી ભલામણો નામંજૂર કરવામાં આવી?
તેમના પ્રશ્નનો જવાબ આપતાં સરકારે જણાવ્યું, ૨૧-૦૧-૨૦૨૪થી ૨૦-૦૧-૨૦૨૫ સુધી ૨૯૨ નવી અરજી, રીન્યુ માટેની ૨૯૨ અરજી મળી કુલ ૩૨૫૯ અરજી મળી હતી. જ્યારે ૨૧-૦૧-૨૦૨૫થી ૨૦-૦૧-૨૦૨૬માં ૯૫૬ નવી અરજી, રીન્યુ માટેની ૨૯૫૫ અરજી મળી કુલ ૩૯૧૧ અરજી મળી હતી. બે વર્ષમાં ૧૨૪૮ નવી અરજી અને ૫૯૨૨ રીન્યુ માટે મળી કુલ ૭૧૭૦ અરજી મળી હતી. એક વર્ષમાં લિકર પરમીટ માટે અરજીકર્તાની સંખ્યામાં ૩૦૦ ટકાથી વધુનો વધારો થયો હતો.
જે પૈકી ૨૧-૦૧-૨૦૨૪ થી ૨૦-૦૧-૨૦૨૫ સુધીમાં ૨૭૮ નવી અરજી, ૨૯૫૨ રીન્યુ અરજી મળી કુલ ૩૨૩૦ અરજી મંજૂર કરવામાં આવી હતી. જ્યારે ૨૧-૦૧-૨૦૨૫ થી ૨૦-૦૧-૨૦૨૬ સુધીમાં ૮૮૩ નવી અરજી, ૨૯૩૨ રીન્યુ અરજી મળી કુલ ૩૮૧૫ અરજી મંજૂર કરવામાં આવી હતી. બે વર્ષમાં કુલ ૧૧૬૧ નવી, ૫૮૮૪ રીન્યુ અરજી મળી કુલ ૭૦૪૫ અરજી મંજૂર કરાઈ હતી.
(10:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
