<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

નવસારીના ઐતિહાસિક 'બાવાની ટેકરી' સ્થિત પ્રાચીન શ્રી રામજી મંદિરે ભાવિકો ઉમટી પડ્યા : તાત્યા ટોપએ લીધો હતો આશરો

અઢીસો વર્ષ જૂના મંદિરના પરિસરમાંથી અગાઉ ભગવાન નરસિંહજીનો શાલિગ્રામ પણ મળીએ આવેલ જેના કારણે સ્થાનિકો તેને 'નરસિંહજીની ટેકરી' તરીકે પણ ઓળખે છે.

નવસારીના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમાન 'બાવાની ટેકરી' સ્થિત પ્રાચીન શ્રી રામજી મંદિરે ચૈત્ર સુદ નવમીના પાવન અવસરે ભગવાન રામચંદ્રજીનો જન્મોત્સવ પરંપરાગત શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો. આ વર્ષની ઉજવણીમાં સૌથી નોંધપાત્ર બાબત મંદિર ટ્રસ્ટ દ્વારા લેવામાં આવેલો વ્યવહારુ નિર્ણય રહ્યો છે. વૈશ્વિક સ્તરે પ્રવર્તતા ગેસ સંકટ અને વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને, આયોજકોએ મહાપ્રસાદના મેનૂમાં આંશિક ફેરફાર કર્યો છે. દર વર્ષે પીરસવામાં આવતી પાંચ વાનગીઓને બદલે આ વખતે ભજીયા અને મગના ખાટા શાકને પડતા મૂકવામાં આવ્યા છે. જોકે, ભક્તોની આસ્થાને માન આપીને ટ્રસ્ટે લાડવાની સંખ્યામાં 10,000 નો નોંધપાત્ર વધારો કર્યો છે, જેથી અંદાજે 35,000 થી વધુ શ્રદ્ધાળુઓ પ્રસાદથી વંચિત ન રહે. છેલ્લા 4 દિવસથી 10 મુખ્ય રસોઈયા અને 26 સેવકોની ટીમ દ્વારા 40,000 થી વધુ લાડવા તૈયાર કરવામાં આવ્યા છે.

 

દુધિયા તળાવ પાસે આવેલી આ ટેકરી માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ રાષ્ટ્રીય ઇતિહાસ સાથે પણ ગાઢ રીતે જોડાયેલી છે. ઇતિહાસકારોના મતે, 1857 ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રખર સેનાની તાત્યા ટોપે અંગ્રેજોથી બચવા માટે અહીં 'સંત ટહલદાસજી' ના છદ્મવેશે 10 વર્ષથી વધુ સમય સુધી આશ્રય લીધો હતો. આ અઢીસો વર્ષ જૂના મંદિરના પરિસરમાંથી અગાઉ ભગવાન નરસિંહજીનો શાલિગ્રામ પણ મળી આવ્યો હતો, જેના કારણે સ્થાનિકો તેને 'નરસિંહજીની ટેકરી' તરીકે પણ ઓળખે છે. રામ જન્મોત્સવના દિવસે સવારથી જ અહીં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શોડોપચાર પૂજન અને શ્રી રામ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.

 

વૈશ્વિક પ્રતિકૂળતાઓ છતાં ભક્તો માટે મહાપ્રસાદનું સુવ્યવસ્થિત આયોજન એ વ્યવસ્થાપન અને આસ્થાનો અનોખો સમન્વય દર્શાવે છે. મંદિર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, સંસાધનોની મર્યાદા વચ્ચે પણ ઉત્સવની ગરિમા જાળવી રાખવી એ પ્રાથમિકતા હતી. ભક્તોએ પણ આ ફેરફારને આવકારીને શિસ્તબદ્ધ રીતે દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો. આ ઘટના એ વાતની સાક્ષી પૂરે છે કે બદલાતા સમય અને સંજોગોમાં પણ ભારતની ધાર્મિક સંસ્થાઓ સામાજિક જવાબદારી અને વ્યવહારુ અભિગમ સાથે પરંપરાઓને જીવંત રાખવા સક્ષમ છે

(10:44 PM IST)